કહાનજૈનશાસ્ત્રમાળા ]
चारित्रप्रतिपादकं शास्त्रमाचाराङ्गादि । कथंभूतं ? ‘चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गं’ चारित्रस्योत्पत्तिश्च वृद्धिश्च रक्षा च तासामङ्गं कारणं अंगानि वा कारणानि प्ररूप्यन्ते यत्र । केषां तदङ्गं ? ‘गृहमेध्यनगाराणां’ गृहमेधिनः श्रावकाः अनगारा मुनयस्तेषां ।।४५।। ‘चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम्’ ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના અંગની કારણની અથવા કારણોની – જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તેવા (શાસ્ત્રને). કોના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણભૂત? ‘गृहमेध्यनगाराणाम्’ શ્રાવકો અને મુનિઓનાં (ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત).
ભાવાર્થ : — જે શાસ્ત્રમાં ગૃહસ્થ અને મુનિઓનાં ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણોનું વર્ણન હોય તેને ચરણાનુયોગ કહે છે. આ અનુયોગ પણ સમ્યગ્જ્ઞાનનો વિષય છે, અર્થાત્ ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણભૂત ચરણાનુયોગ શાસ્ત્ર છે, એમ સમ્યગ્જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન) જાણે છે.
‘‘ચરણાનુયોગમાં નાના પ્રકારનાં ધર્મસાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ હિત – અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. તેને જાણી જિનધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ – મુનિધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવો ધર્મસાધનમાં લાગે છે. એવા સાધનથી કષાય પણ મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિનાં દુઃખ ન પામતાં સુગતિનાં સુખ પામે. વળી એવા સાધનથી જૈનમતનાં નિમિત્ત પણ બન્યાં રહે છે. ત્યાં તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય.
‘‘બીજું જે જીવ તત્ત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે તેને એ બધાં આચરણ પોતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. એકદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં એવી શ્રાવક – મુનિની દશા થાય છે, કારણ કે એ એકદેશ – સર્વદેશ વીતરાગતા અને શ્રાવક – મુનિ દશાને નિમિત્ત – નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક – મુનિ ધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગભાવ થયો હોય તેવો તે પોતાને યોગ્ય ધર્મ હોય તેને સાધે છે. તેમાં પણ જેટલો અંશ વીતરાગતા હોય છે તેને તે કાર્યકારી જાણે છે, જેટલો અંશ રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને પરમ ધર્મ માને છે.