૧૫૦ ]
૧. અવિરમણરૂપ હિંસા — કોઈ જીવ પર જીવની હિંસાના કાર્યમાં તો પ્રવર્તતો નથી, પરંતુ તેને હિંસાનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નહિ હોવાથી તેને અંતરંગમાં અવિરતિનો ભાવ ઊભો છે; તેથી તેને અવિરમણરૂપ હિંસાનો દોષ છે, જેમ કે કોઈને કંદમૂળનો ત્યાગ નથી અને તે કોઈ વખતે ખાતો પણ નથી, છતાં અંતરંગમાં કંદમૂળ ખાવાનો ભાવ ઊભો હોવાથી, તે ભાવનો ત્યાગ નહિ હોવાથી તેને અવિરમણરૂપ હિંસાનો દોષ લાગે છે.
‘‘જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે તથા એ રાગના ભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે; માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રૂપ પરિણામ અવશ્ય થઈ જાય વા પ્રયોજન વિના પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે......’’૧
૨. પરિણમનરૂપ હિંસા — પર જીવના ઘાતમાં, જો જીવ મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તો તેને તે પરિણમનરૂપ હિંસા છે.
આ બંને ભેદોમાં પ્રમાદસહિત યોગનું અસ્તિત્વ છે. तस्मात्प्रमत्तयोगे नित्यं प्राणव्यपरोपणम् । તેથી પ્રમાદના યોગમાં નિરંતર પ્રાણઘાતનો સદ્ભાવ છે. જ્યારે જીવ ક્રોધાદિ ભાવહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ પરિણમન ન કરે તો જ તેને (પ્રાણઘાતનો) અભાવ હોઈ શકે. જ્યાં સુધી પ્રમાદ રહે છે ત્યાં સુધી હિંસાનો અભાવ કોઈ રીતે હોઈ શકતો નથી.૨
પ્રમત્તયોગ એ જ હિંસાનું વાસ્તવિક કારણ છે; કેવળ દ્રવ્યપ્રાણનો ઘાત થવો તે ખરી હિંસા નથી.
શ્રી ઉમાસ્વામીએ પણ ‘તત્ત્વાર્થ સૂત્ર’માં હિંસાનું લક્ષણ આપતાં કહ્યું છે કે — प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । પ્રમાદના યોગથી યથાસંભવ દ્રવ્યપ્રાણ યા ભાવપ્રાણનો ઘાત કરવો તે હિંસા છે.
વળી સમયસાર ગાથા ૨૬૨માં કહ્યું છે કે —
‘‘જીવોને મારો કે ન મારો, કર્મબંધ અધ્યવસાનથી (ઊંધી માન્યતા સાથે પાપભાવથી – પ્રમત્તયોગથી) થાય છે.’’ ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૭, પૃષ્ઠ ૨૧૦. ૨. જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, શ્લોક ૪૮ અને તેનો ભાવાર્થ.