૧૯૪ ]
एवं पंचप्रकारमणुव्रतं प्रतिपाद्येदानीं त्रिप्रकारं गुणव्रतं प्रतिपादयन्नाह —
ભાવાર્થ : — ૧. મદ્યત્યાગ, ૨. માંસત્યાગ, ૩. મધુત્યાગ સહિત, ૪. અહિંસાણુવ્રત, ૫. સત્યાણુવ્રત, ૬. અચૌર્યાણુવ્રત, ૭. બ્રહ્મચર્યાણુવ્રત અને ૮. પરિગ્રહ-પરિમાણઅણુવ્રત — એ શ્રાવકના આઠ મૂલગુણ છે.
આઠ મૂલગુણ સંબંધી કેટલાક આચાર્યોની વિવક્ષામાં ભેદ છે, પણ તેમાં વિરોધ નથી.
શ્રી સમન્તભદ્રાચાર્યે આ ગ્રંથમાં (શ્લોક ૬૬માં) ત્રણ મકાર (મદ્ય, માંસ અને મધુ)ના ત્યાગ સહિત, અહિંસાદિ પાંચ અણુવ્રતના પાલનને આઠ મૂલગુણ કહ્યા છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં ગાથા ૬૧માં કહ્યું છે કે, ‘‘હિંસાનો ત્યાગ કરવાની ઇચ્છા રાખનાર પુરુષે પ્રથમ જ યત્નપૂર્વક મદ્ય, માંસ અને મધુ તથા પાંચ ઉદુમ્બર ફળોનો ત્યાગ કરવો જોઈએ; અને શ્લોક ૪૨માં કહ્યું છે કે, ‘‘સમસ્ત હિંસાદિ પાંચ પાપ કહ્યાં છે તે હિંસા જ છે,’’ તેથી ત્રણ પ્રકારના ત્યાગમાં અહિંસાદિ પાંચ અણુવ્રતોનું પાલન પણ સ્વયં આવી જાય છે.
ચારિત્રપાહુડમાં ગાથા ૨૩, પૃષ્ઠ ૯૫ની હિન્દી ટીકામાં પંડિત જયચંદજી છાબડાએ લખ્યું છે કે —
‘‘પાંચ ઉદુંબર અને મદ્ય, માંસ અને મધુસહિત — આ આઠનો ત્યાગ કરવો તે આઠ મૂલગુણ છે, અથવા કોઈ ગ્રંથમાં એમ કહ્યું છે કે જો પાંચ અણુવ્રત પાળે અને મદ્ય, માંસ તથા મધુનો ત્યાગ કરે – એવા આઠ મૂલગુણ છે. આમાં વિરોધ નથી, વિવક્ષાભેદ છે.
પાંચ ઉદુંબર ફળ અને ત્રણ મકારનો ત્યાગ કરવામાં જે વસ્તુઓમાં સાક્ષાત્ ત્રસ જીવ દેખે તે સર્વને ભક્ષણ કરે નહિ.....તો આમાં તો અહિંસા – અણુવ્રત આવ્યું.......’’
આ પ્રમાણે આઠ મૂલગુણ સંબંધી આચાર્યોના કથનોના ભાવમાં ફેર નથી, એમ સમજવું. ૬૬.
એ પ્રમાણે પાંચ પ્રકારનાં અણુવ્રતોનું પ્રતિપાદન કરીને હવે ત્રણ પ્રકારનાં ગુણવ્રતોનું પ્રતિપાદન કરે છે —