૩૮ ]
‘सुखे’ वैषयिके । कथंभूते ? ‘कर्मपरवशे’ कर्मायत्ते । तथा ‘सान्ते’ अन्तेन विनाशेन सह वर्तमाने । तथा ‘दुःखैरन्तरितोदये’ दुःखैर्मानसशारीरैरन्तरित उदयः प्रादुर्भावो यस्य । तथा ‘पापबीजे’ पापोत्पत्तिकारणे ।।१२।। અરુચિ? ‘सुखे’ ઇન્દ્રિય - વિષય સંબંધી સુખમાં. કેવા (સુખમાં)? ‘कर्मपरवशे’ જે કર્માધીન છે એવા તથા ‘सान्ते’ જે અંત - વિનાશ સહિત છે એવા તથા ‘दुःखैरन्तरितोदये’ જેના ઉદયમાં વચ્ચે વચ્ચે માનસિક અને શારીરિક દુઃખો આવે છે એવા તથા ‘पापबीजे’ જે પાપની ઉત્પત્તિનું કારણ છે એવા (સુખમાં).
ભાવાર્થ : — ઇન્દ્રિયજનિત સુખ (સાંસારિક સુખ) કર્મને આધીન છે, અંતસહિત (નાશવંત) છે, માનસિક અને શારીરિક દુઃખોથી (અર્થાત્ આધિ, વ્યાધિ અને ઉપાધિથી) ખલેલ પામે છે અને પાપનું મૂળ છે, (પાપબંધનું કારણ છે). તેવા સુખમાં ખરેખર (સાચું) સુખ છે, એવી આસ્થાપૂર્વક શ્રદ્ધા ન કરવી તે નિઃકાંક્ષિત અંગ છે.
ઇન્દ્રિયજનિત સુખ કર્મના ઉદયને આધીન છે, કારણ કે ઇન્દ્રિયસુખનાં સાધનો શાતાવેદનીય કર્મના ઉદય નિમિત્તે પ્રાપ્ત થાય છે. તે વિષય - સાધનો ઇન્દ્રધનુષવત્ વીજળીના ચમકારા જેમ ક્ષણભંગુર છે. અશાતા વેદનીય કર્મના ઉદય નિમિત્તે તેનો અલ્પકાળમાં અંત આવે છે, માટે તે અંતસહિત છે.
ઇન્દ્રિયસુખ અખંડ ધારાપ્રવાહરૂપ હોતું નથી. તેથી વારંવાર અનેક દુઃખના ઉદય સહિત હોય છે. કોઈ વખત રોગ થાય, તો કદી સ્ત્રી - પુત્રાદિનો વિયોગ થાય, કદી ધનની હાનિ થાય, તો કદી અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થાય. એમ તે અનેક દુઃખોથી અંતરિત હોય છે.
વળી ઇન્દ્રિયસુખમાં એકતાબુદ્ધિ હોવાથી અજ્ઞાની જીવો પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી પાપારંભમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેને પાપનો બંધ થાય છે. આથી ઇન્દ્રિયસુખ પાપનું બીજ છે.
આવા પરાધીન, અંતસહિત અને દુઃખરૂપ ઇન્દ્રિયસુખમાં સમ્યગ્દ્રષ્ટિને વાસ્તવિક સુખ ભાસતું નથી, તેથી તેને તે સાચું સુખ છે એવી આસ્થારૂપ શ્રદ્ધા કેવી રીતે હોય? અને શ્રદ્ધા વિના તેની વાંછા (આકાંક્ષા) પણ કેમ હોય? ઇન્દ્રિયસુખ ભોગવવાના કાળે પણ આકુળતા જ હોય છે, તેથી તે સુખ નથી પણ દુઃખ જ છે.