કહાનજૈનશાસ્ત્રમાળા ]
શરીર સ્વભાવે અપવિત્ર છે. મળ - મૂત્રાદિ દુર્ગંધયુક્ત પદાર્થોનું ઘર છે. વળી તે અશુચિ, વિનાશિક અને અનેક રોગોનું રહેઠાણ છે, પણ તે કારણે તે ગ્લાનિ કે દ્વેષ કરવા યોગ્ય નથી.
સમ્યગ્દ્રષ્ટિ કોઈપણ પરદ્રવ્યોને ભલાં - બૂરાં જાણતો નથી. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલાં - બૂરાં છે જ નહિ.૧
પર પદાર્થોમાં ‘આ સારા અને આ નરસા’ એવું દ્વૈત છે જ નહિ. છતાં મોહાચ્છાદિત જીવો તેમાં સારા-નરસાનું દ્વૈત ઊભું કરે છે અને રુચિત વિષયમાં રાગ અને અરુચિત વિષયમાં - પદાર્થમાં દ્વેષ કરે છે.૨
સમ્યગ્દ્રષ્ટિ કોઈપણ જીવનાં દુર્ગંધમય શરીરને દેખીને ગ્લાનિ કરતો નથી. ભાવલિંગી મુનિઓ નગ્ન હોય છે. તેમનાં શરીરને દુર્ગંધવાળું દેખીને કે તે શરીરની અપ્રિય (બૂરી) આકૃતિ દેખીને તે પ્રત્યે તે જરાપણ ગ્લાનિ કરતો નથી. તે શરીર તો રત્નત્રયધારી જીવોનું મુક્તિનું સહકારી કારણ છે. એમ જાણી તેને વ્યવહાર અપેક્ષાએ પવિત્ર જાણે છે અને તે પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન થવા દેતો નથી. આ તેનો નિર્વિચિકિત્સા ગુણ છે.
નિશ્ચય અપેક્ષાએ પવિત્ર તો નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા છે. જૈનમતમાં બધી સારી વાતો છે, પણ વસ્ત્રના આવરણ રહિતની જે નગ્નતા તથા જળ- સ્નાનાદિ ક્રિયાનો અભાવ – એ દૂષણ છે, એવા કુત્સિત ભાવોને વિશિષ્ટ વિવેકી જ્ઞાનવાળો સમ્યગ્દ્રષ્ટિ જીવ દૂર કરે છે. તે પણ નિર્વિચિકિત્સા ગુણ છે.૩
‘‘સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, ઉષ્ણાદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા (ગ્લાનિ) કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.’’૪ ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૫૦. ૨. જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૮૩ અને તેની ટીકા. ૩. જુઓ દ્રવ્યસંગ્રહ ગાથા ૪૨, પૃષ્ઠ ૧૭૦ – ૧૭૧ (નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન) ૪. શ્રી સમયસાર ગાથા ૨૩૧નો ભાવાર્થ