કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्रताद्यनुष्ठानेऽसमर्थजनमाश्रित्यागतस्य रत्नत्रये तद्वर्ति वा दोषस्य यत् प्रच्छादनं तदुपगूहनमिति ।।१५।। અહિતના વિવેકરહિત તથા વ્રતાદિના અનુષ્ઠાનમાં અસમર્થ એવા જનોના આશ્રયે રત્નત્રયમાં અથવા તેના ધારક પુરુષોમાં આવેલા દોષોને જે ઢાંકવું (છુપાવવું) તે ઉપગૂહન છે.
ભાવાર્થ : — જેઓ હિતાહિતના વિવેકથી રહિત છે, અજ્ઞાની છે તથા જેઓ વ્રતાદિકનું આચરણ કરવામાં અશક્ત છે — અસમર્થ છે તેવા પુરુષો દ્વારા, રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સંબંધી યા મોક્ષમાર્ગના ઉપાસકો સંબંધી જે નિંદા થઈ હોય તેને પ્રગટ ન કરવી (છુપાવવી) તે ઉપગૂહન અંગ છે.
એકનો દોષ દેખી સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ દૂષિત થશે એમ જાણી સમ્યગ્દ્રષ્ટિ કોઈ સાધર્મીના દોષને પ્રગટ કરતો નથી. આમાં દોષને ઉત્તેજન આપવાનો તેનો હેતુ નથી, પરંતુ જે ધર્મ પ્રત્યે તેની પ્રીતિ છે તેની નિંદા ન થાય તે જોવાનો તેનો પ્રધાન હેતુ છે.
‘‘જે ચેતયિતા સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે અને પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) તે ઉપગૂહનકારી સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’
‘‘સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહન ગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી, તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપબૃંહણ ગુણવાળો છે.’’૧ ૧૫. ૧.જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩.