કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘‘પોતાને જો પાપનો ઉદય હોય તો તેઓ (વ્યંતરાદિક) સુખ આપી શકે નહિ તથા પુણ્યનો ઉદય હોય તો દુઃખ આપી શકે નહિ. વળી તેમને પૂજવાથી કોઈ પુણ્યબંધ નથી, પણ રાગાદિક વૃદ્ધિ થઈ ઊલટો પાપબંધ જ થાય છે; તેથી તેમને માનવા – પૂજવા કાર્યકારી નથી, પણ બૂરું કરવાવાળા છે.....’’
પ્રશ્નઃ — ક્ષેત્રપાલ, દહાડી અને પદ્માવતી આદિ દેવી તથા યક્ષ – યક્ષિણી આદિ કે જે જૈનમતને અનુસરે છે, તેમનું પૂજનાદિ કરવામાં તો દોષ નથી?
ઉત્તરઃ — જૈનમતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો જ નથી. વળી તેમને સમ્યક્ત્વી માની પૂજીએ તો ભવનત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ મુખ્યતા નથી; તથા જો સમ્યક્ત્વ વડે જ પૂજીએ તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ? તમે કહેશો કે ‘આમને જિનભક્તિ વિશેષ છે,’ પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શા માટે પૂજો છો?......તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા હોય છે. એ પ્રમાણે ક્ષેત્રપાલાદિકને પણ પૂજવા યોગ્ય નથી.’’
‘‘વળી ગાય – સર્પાદિક તિર્યંચ કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાસે છે, તેમનો તિરસ્કારાદિક પણ કરી શકીએ છીએ તથા તેમની નિંદ્ય દશા પ્રત્યક્ષ જોઈએ છીએ. વૃક્ષ, અગ્નિ, જલાદિક સ્થાવર છે, તે તો તિર્યંચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ તથા શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન જ છે, સર્વ શક્તિથી હીન પ્રત્યક્ષ જ જોઈએ છીએ. તેમાં પૂજ્યપણાનો ઉપચાર પણ સંભવતો નથી; તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ વા અનુમાનથી પણ કાંઈ ફળપ્રાપ્તિ ભાસતી નથી, તેથી તેમને પૂજવા તે યોગ્ય નથી.’’
‘‘જો ઇષ્ટ – અનિષ્ટ કરવું તેમના (વ્યંતરાદિ દેવના) આધીન હોય તો જે તેમને પૂજે તેને ઇષ્ટ જ થવું જોઈએ તથા કોઈ ન પૂજે તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી, કારણ કે શીતળાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જોઈએ છીએ. માટે શીતળાને માનવી કાંઈપણ કાર્યકારી નથી. એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી.’’૧ ૨૩. ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ ૧૭૧ થી ૧૭૮.