Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 199

 

[ 8 ]

શ્રી પૂજ્યપાદે ધર્મરાજ્યનો ઉદ્ધાર કર્યો, દેવોના અધિપતિઓએ તેમનું પાદપૂજન કર્યું તેથી તેઓ પૂજ્યપાદ કહેવાયા, તેમના દ્વારા ઉદ્ધાર પામેલાં શાસ્ત્રો આજે પણ તેમના વિદ્યાવિશારદ ગુણોનું કીર્તિગાન કરે છે. તેઓ જિનવત્ વિશ્વબુદ્ધિના ધારક હતા અર્થાત્ સમસ્ત શાસ્ત્ર-વિષયોમાં પારંગત હતા. તેમણે કામદેવને જીત્યો હતો તેથી કૃતકૃત્યભાવધારી ઉચ્ચ કોટિના યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ નામે વર્ણવ્યા છે.

વળી આ શિલાલેખમાં એવો પણ ઉલ્લેખ છે કે–- (૧) તેઓ અદ્વિતીય ઔષધ-ઋદ્ધિના ધારક હતા, (૨) વિદેહક્ષેત્રસ્થિત જિનેન્દ્ર ભગવાનના દર્શનથી તેમનું ગાત્ર પવિત્ર થઈ ગયું હતું; (૩) તેમના પાદોદક (ચરણ-જલ)ના સ્પર્શથી એક વખત લોઢું પણ સોનું થઈ ગયું હતું. આ ઉપરાંત ઘોર તપશ્ચર્યાદિથી તેમની આંખનું તેજ નષ્ટ થયું હતું, પરંતુ ‘શાન્ત્યષ્ટક’ના એકાગ્રતાપૂર્વક પાઠથી નેત્ર-તેજ પુન: પ્રાપ્ત થયું હતું.

મહા યોગીઓને માટે આવી ઘટનાઓ અસંભવિત નથી. ગ્રન્થરચના :

શ્રી પૂજ્યપાદસ્વામીએ જે ગ્રન્થો રચ્યા છે તેમાં ‘જૈનેન્દ્ર વ્યાકરણ’, શબ્દાવતાર, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ ગ્રન્થો પ્રમુખસ્થાને છે. નીચેના શિલાલેખથી તેમના રચિત ગ્રન્થોનો ખ્યાલ આવે છે—

जैनेन्द्रं निजशब्दभागमतुलं सर्वार्थसिद्धिः परा,
सिद्धान्ते निपुणत्वमुद्धकवितां जैनाभिषेकः स्वकः
छन्दः सूक्ष्मधियं समाधिशतकं स्वास्थ्यं यदीयं विदा-
माख्यातीह स पूज्यपादमुनिषः पूज्यो मुनीनां गणैः
।।।। (–શ્ર.શિ.લે.નં. ૪૦)

જેમનું ‘જૈનેન્દ્ર વ્યાકરણ’ શબ્દશાસ્ત્રોમાં પોતાના અનુપમ સ્થાનને, ‘સર્વાર્થસિદ્ધિ’ સિદ્ધાન્તમાં પરમ નિપુણતાને, ‘જૈનાભિષેક’ ઉચ્ચ કક્ષાની કવિતાને, ‘છન્દશાસ્ત્ર’ બુદ્ધિની સૂક્ષ્મતા (રચનાચાતુર્ય)ને અને ‘સમાધિશતક’ સ્વાત્મસ્થિતિ (સ્થિતપ્રજ્ઞતા)ને સંસારમાં વિદ્વાનો પ્રતિ જાહેર કરે છે, તે પૂજ્યપાદ મુનીન્દ્ર મુનિગણોથી પૂજનીય છે. જૈનેન્દ્ર વ્યાકરણ :

આ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે. તેના સૂત્રોના લાઘવાદિના કારણે તેનું મહત્વ ઘણું છે અને તેથી તેણે લોકમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ભારતમાં આઠ પ્રમુખ શાબ્દિકોમાં વ્યાકરણના કર્તા શ્રી પૂજ્યપાદ સ્વામીની સારી ગણના છે.