૯૨સમાધિતંત્ર
टीका — चिरं बहुतरं कालं बुद्धौ न धारयेत् । किं तत् ? कार्य । कथम्भूतम् ? परमन्यत् । कस्मात् ? आत्मज्ञानात् । आत्मज्ञानलक्षणमेव कार्यं बुद्धौ चिरं धारयेदित्यर्थः । परमपिकिञ्चिद् भोजनव्याख्यानादिकं वाक्कायाभ्यां कुर्यात् । कस्मात् ? अर्थवशात् स्वपरोपकारलक्षणप्रयोजनवशात् । किं विशिष्टः ? अतत्परस्तदनासक्तः ।।५०।। (चिरं) લાંબા સમય સુધી (बुद्धौ) પોતાની બુદ્ધિમાં (न धारयेत्) ધારણ કરે નહિ. જો (अर्थवशात्) પ્રયોજનવશાત્ (वाक्कायाभ्याम्) વચન – કાયથી (किंचित् कुर्यात्) કંઈપણ કરવાનો વિકલ્પ કરે તો તે (अतत्परः) અનાસક્ત થઈ કરે.
ટીકા : ચિરકાળ સુધી એટલે બહુ લાંબાકાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરે. શું તે? કાર્ય. કેવું (કાર્ય)? પર એટલે અન્ય. કોનાથી (અન્ય)? આત્મજ્ઞાનથી (અન્ય). આત્મજ્ઞાનરૂપ કાર્યને જ બુદ્ધિમાં લાંબા વખત સુધી ધારી રાખે એવો અર્થ છે, પરંતુ બીજું કિંચિત્ અર્થાત્ ભોજન – વ્યાખ્યાનાદિકરૂપ કાર્યને વચન – કાયદ્વારા કરે. શાથી? પ્રયોજનવશ અર્થાત્ સ્વ – પરના ઉપકારરૂપ પ્રયોજનવશ (કરે). કેવા થઈને (તે કરે)? અતત્પર થઈને અર્થાત્ તેમાં અનાસક્ત થઈને કરે.
ભાવાર્થ : જ્ઞાની પોતાના ભાવમનને (ઉપયોગને) આત્મ – જ્ઞાનના કાર્યમાં જ રોકે છે; આત્મજ્ઞાનથી કોઈ અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી રોકતો નથી. કદાચ પ્રયોજનવશાત્ અર્થાત્ સ્વ – પરના ઉપકારાર્થે અસ્થિરતાને લીધે વચન – કાય દ્વારા આહાર – ઉપદેશાદિ કાર્ય કરવાનો વિકલ્પ આવે, તો તેમાં તેને અતન્મયભાવ વર્તે છે.
ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. તેમાં જ તે પોતાના ઉપયોગને લગાવે છે. કદાચ લાંબો સમય સ્વરૂપમાં સ્થિર ન રહી શકે અને પ્રયોજનવશાત્ આહાર – ઉપદેશાદિનો વિકલ્પ આવે, તો તે કાર્ય અનાસક્તિ ભાવે (અતન્મય ભાવે) થાય છે. તે કરવાને તેને મનમાં ઉત્સાહ નથી – ભાવના નથી. કાર્યને અંગે શરીર – વાણીની જે ક્રિયા થાય છે તેમાં તેને એકતા – બુદ્ધિ કે કર્તા – બુદ્ધિ તો નથી જ, પણ તે ક્રિયા કરવાના વિકલ્પને પણ તે ભલો માનતો નથી. વિકલ્પને તોડી સ્વરૂપમાં સ્થિર થઈ હું શુદ્ધાત્માને ક્યારે અનુભવું, એવી તેને નિરંતર ભાવના હોય છે, આ ભાવનાના બળથી તેનો ઉપયોગ બહારની ક્રિયામાં લાંબો વખત ટકતો નથી, ત્યાંથી હઠી તુરત સ્વ તરફ વળે છે.
જ્ઞાનીને નીચલી ભૂમિકામાં અસ્થિરતાને લીધે રાગ હોય છે અને વચન – કાયની ક્રિયા પ્રત્યે લક્ષ જાય છે, પણ પોતાના જ્ઞાન – સ્વભાવને ભૂલે તેવી તેનામાં આસક્તિ હોતી નથી.