टीका — बहिर्बाह्यविषये सुखं भवति । कस्य ? आरब्धयोगस्य प्रथममात्मस्वरूपभावनोद्यतस्य । अथ आह । आत्मनि आत्मस्वरूपे दुःखं तस्य भवति । भावितात्मनो यथावद्विदितात्मस्वरूपे कृताभ्यासस्य । बहिरेव बाह्यविषयेष्वेवाऽसुखं भवति । अथ आह । सौख्यं अध्यात्मं तस्याध्यात्मस्वरूप एव भवति ।।५२।।
અન્વયાર્થ : — (आरब्धयोगस्य) યોગનો અભ્યાસ શરૂ કરનારને (बहिः) બાહ્ય વિષયોમાં (सुखं) સુખ લાગે છે, (अथ) અને (आत्मनि) આત્મસ્વરૂપને વિષે (दुःखं) દુઃખ પ્રતીત થાય (भावितात्मनः) આત્મસ્વરૂપને યથાર્થપણે જાણનારને – સારા અભ્યાસીને (बहिः एव) બાહ્ય પદાર્થોમાં જ (असुखं) દુઃખ થાય છે અને (अध्यात्मं) આત્મસ્વરૂપમાં (सौख्यम्) સુખનો અનુભવ થાય છે.
ટીકા : — બહાર એટલે બાહ્ય વિષયમાં સુખ લાગે છે. કોને? યોગનો આરંભ કરનારને અર્થાત્ પ્રથમ વાર આત્મસ્વરૂપની ભાવનાના અભ્યાસીને, અને કહે છે – આત્મામાં એટલે આત્મસ્વરૂપમાં (તેની ભાવનામાં) દુઃખ (મુશ્કેલી) લાગે છે, પણ ભાવિતાત્મને એટલે યથાવત્ જાણેલા આત્મસ્વરૂપના ( – તેની ભાવનાના) અભ્યાસીને, બાહ્યમાં જ એટલે બાહ્ય વિષયોમાં જ અસુખ (દુઃખ) ભાસે છે; અને કહે છે – આત્મામાં એટલે તેના અધ્યાત્મસ્વરૂપમાં જ ( – તેની ભાવનામાં જ) સુખ લાગે છે.
ભાવાર્થ : — યોગનો એટલે આત્મસ્વરૂપનો પ્રથમ વાર અનુભવ કરવાનો આરંભ કરનારને બાહ્ય વિષયોમાં સુખ જેવું લાગે છે અને આત્મસ્વરૂપની ભાવનાના અભ્યાસમાં દુઃખ જેવું જણાય છે, પરંતુ જ્યારે તેની પરિપક્વ અભ્યાસથી આત્મસ્વરૂપનું યથાર્થપણે જ્ઞાન થાય છે ત્યારે તેને બાહ્ય વિષયો અસુખરૂપ પ્રતીત થાય છે અને આત્મસ્વરૂપમાં જ સુખ પ્રતિભાસે છે.
યોગનો અભ્યાસ શરૂ કરનારને, પૂર્વના સંસ્કારને લીધે, બાહ્ય વિષયો તરફનું વલણ જલદી છૂટતું નથી અને તેથી તેને આત્મસ્વરૂપમાં રમવું મુશ્કેલ લાગે છે.