ભાવાર્થ : — ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકારી હોય, તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા, અનાદિકાળના અવિદ્યાના સંસ્કારને લીધે, તેમાં રતિ કરે છે – આસક્ત રહે છે.
ઇન્દ્રિય – વિષયોનું સુખ તે સુખ નથી. વાસ્તવમાં તે દુઃખ છે, કારણ કે તે પરાધીન છે, આકુળતાવાળું છે, અસ્થિર છે, ક્ષણભંગુર છે, વિચ્છિન્ન છે, પરિણામે દુઃસહ છે અને બંધનું કારણ છે;૧ તેમ છતાં અનાદિ મિથ્યાત્વના સંસ્કારવશ અજ્ઞાની તેની રુચિ કરે છે અને તેની પ્રાપ્તિ માટે ચિંતા કરી રાતદિન તેની પાછળ લાગ્યો રહે છે.
વિષયો હિતકારી કે સુખદાયી નથી. તેઓ ‘અકિંચિત્કર’ છે. ‘‘સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો ‘અકિંચિત્કર’ છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે.’’૨
‘‘જેમને વિષયોમાં રતિ છે, તેમને દુઃખ સ્વાભાવિક જાણો; કારણ કે જો દુઃખ (તેમનો) સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય.’’૩
‘‘અજ્ઞાની બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે, તેના ગ્રહણની નિરંતર ઇચ્છાથી સદા આકુલવ્યાકુલ રહે છે. આ આકુળતાનું દુઃખ તેને કેટલીક વખત એટલું અસહ્ય લાગે છે કે વિષય ગ્રહણ કરવાના પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે તો પણ તેની દરકાર કરતો નથી. એ બતાવે છે કે મૃત્યુના દુઃખ કરતાં આકુળતાનું દુઃખ વધારે છે.’’૪
એ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં વાસ્તવિક સુખ નહિ હોવા છતાં, અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે અજ્ઞાની તેમાં રત રહે છે. ૫૫. ૧. જુઓ – શ્રી પ્રવચનસાર ગાથા – ૭૬ અને ટીકા – ભાવાર્થ (ગુ. આવૃત્તિ)
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. (૭૬)
૨. શ્રી પ્રવચનસાર – ગા. ૬નો ભાવાર્થ. ૩. વિષયો વિષે રતિ જેમને, દુઃખ છે સ્વભાવિક તેમને;
૪. જુઓઃ મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૫૧.