कायवाक्चेतांसि भिन्नानीति भेदाभ्यासे भेदभावनायां तु पुनर्निर्वृत्तिः मुक्तिः ।।६२।। પણ એ કાય – વાણી – મનના ભેદનો અભ્યાસ થતાં અર્થાત્ આત્માથી કાય – વાણી – મન ભિન્ન છે. એવો ભેદનો અભ્યાસ થતાં એટલે ભેદભાવના થતાં નિર્વૃત્તિ એટલે મુક્તિ થાય છે.
ભાવાર્થ : — જ્યાં સુધી જીવને મન – વચન – કાયમાં આત્મબુદ્ધિ રહે છે, તેને આત્માના અંગ સમજે છે એટલે કે તેની સાથે અભેદબુદ્ધિ – એકતાબુદ્ધિ કરે છે, ત્યાં સુધી તે સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે, પરંતુ જ્યારે તેને મન – વચન – કાયમાં આત્મબુદ્ધિનો ભ્રમ ટળી જાય છે, અર્થાત્ તે ત્રણે ‘આત્માથી ભિન્ન છે’ એવો નિશ્ચયપૂર્વક અનુભવનો અભ્યાસ થાય છે, ત્યારે તે સંસારના બંધનથી મુક્તિ પામે છે.
જ્યાં શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે ત્યાં એકતાબુદ્ધિ છે. જ્યાં એકતાબુદ્ધિ હોય છે, ત્યાં કર્તા – ભોક્તાબુદ્ધિ અવશ્ય હોય છે અને જ્યાં કર્તા – બુદ્ધિ છે, ત્યાં સંસારના કારણભૂત રાગાદિ ભાવ અનિવાર્યપણે હોય છે. એ રીતે શરીરાદિ પર પદાર્થોમાં આત્મ – બુદ્ધિ તે જ સંસારનું કારણ છે અને આત્મા તથા શરીરાદિનો ભેદ – વિજ્ઞાનપૂર્વક દ્રઢ અભ્યાસ તે મુક્તિનું કારણ છે.
મન – વચન – કાયની પ્રવૃત્તિ એ સંસારનું કારણ નથી, કારણ કે તે જડની ક્રિયા છે, પરંતુ તેમાં આત્મબુદ્ધિ – એકતાબુદ્ધિ કરવી તે સંસારનું કારણ છે. પ્રસ્તુત શ્લોકમાં ‘स्वबुद्ध्या’ શબ્દથી આ વાત સૂચિત થાય છે.
‘‘કર્મબંધ કરનારું કારણ નથી, બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, નથી ચલન સ્વરૂપ કર્મ (અર્થાત્ કાય – વચન – મનની ક્રિયારૂપ યોગ), નથી અનેક પ્રકારનાં કારણો કે નથી ચેતન – અચેતનનો ઘાત. ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે તે જ એક ( – માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ખરેખર પુરુષોને બંધનું કારણ છે.’’૧
માટે શરીરાદિની ક્રિયામાં આત્મબુદ્ધિ અર્થાત્ તે ક્રિયાઓ હું કરું છું એવી માન્યતા તે સંસારનું કારણ છે અને તે ક્રિયાઓમાં આત્મબુદ્ધિ અર્થાત્ કર્તાબુદ્ધિનો અભાવ તે મોક્ષનું કારણ છે. ૬૨. ૧. જુઓ – શ્રી સમયસાર કલશ ૧૬૪ અને ગા. ૨૩૭ થી ૨૪૧.