શરીર અને આત્માનો સંયોગ સંબંધ છે, છતાં અજ્ઞાનીને તે બંનેની એકતાબુદ્ધિ હોવાથી તે શરીરના વિયોગથી (નાશથી) પોતાના આત્માનો નાશ માને છે અને તેના સંયોગથી પોતાના આત્માની ઉત્પત્તિ માને છે. કહ્યું છે કેઃ —
‘તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ જાન.’
મિથ્યાદ્રષ્ટિ શરીરની ઉત્પત્તિને આત્માનો જન્મ માને છે અને શરીરના નાશને આત્માનો નાશ માને છે.૧
શરીરમાં આત્મબુદ્ધિ હોવાથી તેને આવી ઊંધી માન્યતા હોય છે. પરના શરીર સંબંધી પણ તેને આવો જ ભ્રમ હોય છે. સ્ત્રી કે પુત્રના શરીરનો નાશ થતાં, તેના આત્માનો નાશ માની તે દુઃખી થાય છે.
‘‘......જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે, તે પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ કરી રહે પછી તેને પણ છોડી અન્ય નવીન શરીર ધારણ કરે છે. માટે શરીર સંબંધની અપેક્ષાએ, જન્માદિક છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય છે, તો પણ મોહી જીવને ભૂત – ભવિષ્યનો વિચાર ન હોવાથી પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે.....’’૨
જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે, તેથી શરીરના નાશ વખતે વ્યાકુલ થતો નથી. કદાચિત્ અસ્થિરતાને લીધે અલ્પ વ્યાકુલતા થાય, પણ શ્રદ્ધા અને જ્ઞાનમાં તે એવો દ્રઢ છે કે શરીરના નાશથી આત્માનો નાશ કદી માનતો નથી અને આકુલતાનો સ્વામી થતો નથી. ૬૫. ✽
૧. જુઓ – શ્રી દૌલતરામજી કૃત ‘છહઢાલા’ – ૨//૫. ૨.મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૪૭.