૧૨૬સમાધિતંત્ર
टीका — जनेभ्यो वाक् वचनप्रवृत्तिर्भवति । प्रवृत्तेः स्पन्दो मनसः व्यग्रता मानसे भवति । तस्याऽऽत्मनः स्पन्दाच्चित्तविभ्रमाः नानाविकल्पपवृत्तयो भवन्ति । यत एवं, तत्तस्मात् योगी त्यजेत् । कं ? संसर्ग सम्बन्धम् । कैः सह ? जनैः ।
અન્વયાર્થ : — (जनेभ्यः) લોકોના સંસર્ગથી (वाक्) વચનની પ્રવૃત્તિ થાય છે; (ततः) તેનાથી એટલે વચનપ્રવૃત્તિથી (मनसः स्पन्दः) મનની વ્યગ્રતા થાય છે – ચિત્ત ચલાયમાન થાય છે, (तस्मात्) તેનાથી એટલે ચિત્તની ચંચલતાથી (चित्त – विभ्रमाः भवन्ति) ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે અર્થાત્ મન વિક્ષિપ્ત થઈ જાય છે; (ततः) તેથી (योगी) યોગીએ – યોગમાં સંલગ્ન થવાવાળા અન્તરાત્માએ – (जनैः संसर्गं त्यजेत्) લૌકિક જનોના સંસર્ગનો ત્યાગ કરવો.
ટીકા : — લોકો સાથે બોલવાથી વચનની પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિથી મનનું સ્પંદન – મનમાં વ્યગ્રતા – થાય છે, તે આત્માના (ભાવમનના) સ્પંદનથી ચિત્તવિભ્રમો અર્થાત્ વિવિધ પ્રકારના વિકલ્પોની પ્રવૃત્તિ થાય છે; તેટલા માટે યોગીએ તજવો. શું (તજવો)? સંસર્ગ – સંબંધ કોની સાથેનો? લોકો સાથેનો.
ભાવાર્થ : — લૌકિક જનો સાથે વાર્તાલાપ કરવાથી મન વ્યગ્ર બને છે, – ચિત્ત ચલાયમાન થાય છે અને વિવિધ પ્રકારના સંકલ્પ – વિકલ્પો ઊઠે છે. તેનાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા રહેતી નથી. માટે આત્મસ્વરૂપના અભ્યાસીએ લૌકિક જનોના સંસર્ગથી દૂર રહેવું યોગ્ય છે.
સાધકને જેમ જેમ ભેદ – વિજ્ઞાનનું બળ વધતું જાય છે તેમ તેમ તેને પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ થાય છે અને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતાના પ્રમાણમાં તે આત્મસ્થિરતા પ્રાપ્ત કરે છે. સ્વરૂપ – સ્થિરતાના કાળે લૌકિક જનો સાથેનો સંસર્ગ સ્વયં છૂટી જાય છે. ૭૨.