૧૩૦સમાધિતંત્ર
टीका — जन्म संसारं नयति प्रापयति । कं ? आत्मानं । कोऽसौ ? आत्मैव देहादौ दृढात्मभावनावशात् । निर्वाणमेव च आत्मानमात्मैव नयति स्वात्मन्येवात्मबुद्धिप्रकर्षसद्भावात् । यत एवं तस्मात् परमार्थतो गुरुरात्मात्मनः । नान्यो गुरुरस्ति परमार्थतः । व्यवहारेण तु यदि भवति तदा भवतु ।।७५।।
અન્વયાર્થ : (आत्मा एव) આત્મા જ (आत्मानं) આત્માને (जन्म निर्वाणम् एव च नयति) જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે – અર્થાત્ પ્રાપ્ત કરાવે છે; (तस्मात्) માટે (परमार्थतः) નિશ્ચયથી (आत्मनः गुरुः) આત્માનો ગુરુ (आत्मा एव) આત્મા જ છે; (अन्यः न अस्ति) બીજો કોઈ નહિ.
ટીકા : — જન્મ એટલે સંસાર પ્રતિ દોરે છે – પ્રાપ્ત કરાવે છે. કોને? આત્માને. કોણ તે? દેહાદિમાં દ્રઢ આત્મભાવનાવશ આત્મા જ (જન્મ પ્રાપ્ત કરાવે છે); અને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિના પ્રકર્ષ સદ્ભાવથી આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, કારણ કે વાસ્તવમાં આત્મા આત્માનો ગુરુ છે; પરમાર્થે બીજો કોઈ ગુરુ નથી. વ્યવહારે તે હોય તો ભલે હો.
ભાવાર્થ : — જે આત્મા દેહાદિમાં દ્રઢ આત્મબુદ્ધિ કરે છે તે જન્મ – મરણરૂપ સંસારમાં ભ્રમણ કરે છે – અર્થાત્ આત્મા જ પોતાના આત્માને સ્વ – અપરાધથી સંસારમાં રખડાવે છે, અને તે જ આત્મા જો પોતાના આત્મામાં જ દ્રઢ આત્મબુદ્ધિ કરે, તો તે સંસારભ્રમણથી મુક્ત થાય છે – નિર્વાણ પામે છે – અર્થાત્ આત્મા જ પોતાના આત્માને નિર્વાણ પમાડે છે; તેથી પરમાર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી.
અહીં આચાર્યે સ્પષ્ટ કર્યુ છે કે જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાનથી જ પોતાના આત્માનું હિત – અહિત કરે છે. તેમાં કર્મ કે પર પદાર્થો અહેતુવત્ છે અકિંચિત્કર છે.