જ્યાં સુધી જીવ પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદિ શત્રુઓ અર્થાત્ કષાયપરિણતિ પર વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી તે સંસારરૂપી કીચડમાં ફસ્યો રહે છે અને જન્મમરણનાં અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે, પરંતુ જ્યારે તે આત્મસ્વરૂપનું બરાબર જ્ઞાન કરી સ્વભાવ – સન્મુખ વિશેષ ઉગ્ર પુરુષાર્થ આદરે છે, ત્યારે ક્રમે ક્રમે રાગ – દ્વેષાદિ કષાય – ભાવોનો યા વિભાવ પરિણતિનો સ્વયં ત્યાગ થઈ જાય છે અને રાગાદિ ભાવથી સર્વથા મુક્ત થતાં અર્થાત્ પરમ વીતરાગતા પ્રાપ્ત થતાં તે મોક્ષ પામે છે.
‘આત્મા, પોતાના આત્મામાં મોક્ષસુખની સદા અભિલાષા કરે છે, અભીષ્ટ મોક્ષસુખનું જ્ઞાન કરાવે છે અને સ્વયં કલ્યાણકારી આત્મ – સુખની પ્રાપ્તિમાં પોતાને યોજે છે, તેથી આત્મા જ આત્માનો ગુરુ છે.૧
માટે આત્મા પરનું – નિમિત્તનું અવલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને અર્થાત્ ધર્મની સિદ્ધિ માટે સ્વાશ્રયી બને, તો તે જન્મ – મરણનાં દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. ૭૫.
દેહમાં આત્મબુદ્ધિ કરનાર (બહિરાત્મા) મરણ નજીક આવતા શું કરે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (देहादौ दृढात्मबुद्धिः)દેહાદિમાં દ્રઢ આત્મબુદ્ધિવાળો બહિરાત્મા (आत्मनः नाशं) પોતાના એટલે પોતાના શરીરના નાશને (च) અને (मित्रादिभिः वियोगं) મિત્રાદિથી થતા વિયોગને (उत्पश्यन्) દેખીને (मरणात्) મરણથી (भृशम्) અત્યંત (बिभेति) ડરે છે. १. स्वस्मिन्सदाभिलाषित्वादभीष्टज्ञापकत्वतः ।