टीका — आत्मन्येवात्मस्वरूप एव आत्मधीः अन्तरात्मा शरीरगतिं शरीरविनाशं शरीरपरिणतिं वा बालाद्यवस्थारूपां आत्मनो अन्यां भिन्ना निर्भयं यथा भवत्येवं मन्यते । शरीरोत्पादविनाशौ आत्मनो विनाशोत्पादौ (उत्पादविनाशौ इति साधुः) न मन्यत इत्यर्थः । वस्त्रं त्यक्त्वा वस्त्रान्तरग्रहणमिव ।।७७।।
ટીકા : — આત્મામાં જ એટલે આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો – અંતરાત્મા, શરીરની ગતિને એટલે શરીરના વિનાશને અથવા બાલાદિ અવસ્થારૂપ શરીરની પરિણતિને નિર્ભયપણે (નિઃશંકપણે) આત્માથી અન્ય – ભિન્ન માને છે, શરીરના ઉત્પાદ – વિનાશને આત્માનો ઉત્પાદ – વિનાશ એ માનતો નથી – એવો અર્થ છે, જેમ વસ્ત્રનો ત્યાગ કરીને અન્ય વસ્ત્રનું ગ્રહણ કરવું તેમ.
ભાવાર્થ : — અંતરાત્મા આત્માને શરીરથી ભિન્ન સમજે છે, બંનેને એકરૂપ માનતો નથી, તેથી તે શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માનતો નથી, અર્થાત્ શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ અને શરીરના નાશથી આત્માનો નાશ માનતો નથી. જેમ એક વસ્ત્ર તજી બીજું વસ્ત્ર ગ્રહણ કરતાં શરીરને કાંઈ થતું નથી, તેમ એક દેહ તજી બીજો દેહ ધારણ કરતાં આત્માને કાંઈ થતું નથી – એમ સમજી તે મરણ – સમયે નિર્ભય રહે છે, મરણથી ડરતો નથી.
જ્ઞાની સમજે છે કે જેમ મકાનનો નાશ થતાં તેમાં વ્યાપેલા આકાશ દ્રવ્યનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો કદી નાશ થતો નથી. આવી સમજણને લીધે તેને કોઈ પણ પ્રકારની આકુલતા રહેતી નથી. તે મરણ – પ્રસંગે નિર્ભયતા સેવે છે અને આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે.
જ્ઞાની મરણ સમયે વધુ દ્રઢતા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કેઃ —
‘હે આત્મન્, તું તો જ્ઞાનરૂપી દિવ્ય શરીરનો ધારી છે, માટે સેંકડો કીડોના સમૂહથી ભરેલા આ જીર્ણ – શીર્ણ શરીરરૂપી પીંજરાના નાશ સમયે તને ભય કરવો ઉચિત નથી.’
‘હે આત્મન્, આ મૃત્યુરૂપ મહોત્સવ પ્રાપ્ત થવાથી તું કેમ ડરે છે? કારણ કે આ મૃત્યુ દ્વારા તો તું જ્ઞાનાદિક સ્વરૂપમાં સ્થિત રહીને અન્ય શરીરરૂપ નવા નગર તરફ ગમન કરે છે.’
‘ગર્ભથી લઈ આજ સુધી, દેહ પીંજરામાં તું અનેક પ્રકારનાં દુઃખ ભોગવતો પડ્યો રહ્યો છે. મૃત્યુરૂપી બલવાન રાજા સિવાય બીજો કોણ તને આ દેહ – પીંજરામાંથી મુક્ત કરી શકે તેમ છે?’