ભાવાર્થ : — જ્ઞાની, પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ સાંસારિક કાર્યોમાં અનાસક્ત તેમ જ અપ્રયત્નશીલ હોય છે અને આત્માનુભવના કાર્યમાં સજાગ રહે છે – તત્પર રહે છે, જ્યારે અજ્ઞાની પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ સંસારનાં કાર્યોમાં પ્રયત્નશીલ રહે છે – જાગૃત રહે છે અને આત્માનુભવના કાર્યમાં અતત્પર રહે છે.
અહીં આચાર્યે એ બતાવ્યું છે કે પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારમાં – અર્થાત્, અહિંસા, ભક્તિ, વ્રત, નિયમાદિ શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહારમાં અને હિંસા, જૂઠ, ચોરી, આદિ અશુભ કાર્યથી નિવૃત્તિરૂપ વ્યવહારમાં – એમ બન્ને વ્યવહારોમાં જે અતત્પર હોય છે તે જ આત્માનુભવ કરી શકે છે. પરંતુ ભક્તિ આદિ શુભ કાર્યોમાં પ્રવૃત્તિથી અને અશુભ કાર્યમાં નિવૃત્તિથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તે પ્રવૃત્તિ વિકલ્પારૂઢ છે – રાગયુક્ત છે. રાગ ભલે શુભ હોય તો પણ તેનાથી આત્મજ્ઞાન થતું નથી.
જ્ઞાની તો આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી તેને વ્યવહાર ધર્મથી સ્વયં નિવૃત્તિ થઈ જાય છે. તેની તે પ્રવૃત્તિ વિકલ્પારૂઢ નથી, પણ નિર્વિકલ્પ છે અને તેનાથી ધર્મ થાય છે.
જ્ઞાનીને અસ્થિરતાને લીધે કદાચિત્ પૂજા – ભક્તિ આદિનો શુભ રાગ આવે, પણ તે તેને ભલો માનતો નથી, તેને તેનું સ્વામીત્વ કે કર્તાબુદ્ધિ નથી. તેને તે રાગ હેયબુદ્ધિએ વર્તે છે; તેથી તેમાં તેની પ્રવૃત્તિ દેખાવા છતાં તે વાસ્તવમાં નિવૃત્તિમય જ છે.
અજ્ઞાની શુભરાગમય પ્રવૃત્તિને ધર્મ માની તેનાથી સંતુષ્ટ થાય છે અને આત્મસ્વરૂપની ભાવના માટે અતત્પર હોય છે.
‘‘વળી કોઈ જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે, પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય, એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. વા મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.....’’૧ ૧. મોક્ષમાર્ગપ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૨૭.