टीका — यदुत्प्रेक्षाजालं चिंताजालं कथम्भूतं ? अन्तर्जल्पसंपृक्तं अन्तर्वचनव्यापारोपेतं । आत्मनो दुःखस्य मूलं कारणं । तन्नाशे तस्योत्प्रेक्षाजालस्य विनाशे । इष्टमभिलषितं यत्पदं तच्छिष्टं प्रतिपादितम् ।।८५।।
અન્વયાર્થ : — (अन्तर्जल्पसंपृक्तं) અંતરંગ જલ્પયુક્ત (यत् उत्प्रेक्षाजालं) જે વિકલ્પજાલ છે તે (आत्मनः) આત્માના (दुःखस्य) દુઃખનું (मूलं) મૂલ – કારણ છે. (तन्नाशे) તેનો એટલે વિકલ્પજાલનો નાશ થતાં (इष्ट) હિતકારી (परमं पदं शिष्टम्) પરમ પદની પ્રાપ્તિ થાય છે – એમ પ્રતિપાદન કર્યું છે.
ટીકા : — જે ઉત્પ્રેક્ષાજાલ એટલે વિકલ્પજાલ છે, તે કેવી છે? અન્તર્જલ્પથી યુક્ત અર્થાત્ અંતરંગ વચન – વ્યાપારથી યુક્ત છે, તે આત્માના દુઃખનું મૂલ એટલે કારણ છે. તેનો નાશ થતાં અર્થાત્ તે ઉત્પ્રેક્ષાજાલનો (વિકલ્પજાલનો) નાશ થતાં, એ પદ ઇષ્ટ એટલે અભિલષિત છે (જે પદની અભિલાષા કરવામાં આવી છે) તે શિષ્ટ છે અર્થાત્ તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ભાવાર્થ : — અંતરંગ જલ્પ (સૂક્ષ્મ – વચન – પ્રવૃત્તિ) યુક્ત જે અનેક પ્રકારના વિકલ્પરૂપ કલ્પનાજાલ છે તે સંસારી આત્માને દુઃખનું મૂલ છે. તેનો નાશ થાય તો જ પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થાય.
આ જીવ પોતાના ચિદાનન્દમય પરમ અતીન્દ્રિય અવિનાશી નિર્વિકલ્પ સ્વરૂપને ભૂલી, જ્યાં સુધી બાહ્ય વિષયોના લક્ષે દુઃખોના મૂલ કારણભૂત અન્તર્જલ્પરૂપ અનેક વિકલ્પોની જાળમાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી તેને સુખમય પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થતી નથી. તે પદની પ્રાપ્તિ તો તેને હોય જે અન્તર્જલ્પરૂપ વિકલ્પોની જાલનો સર્વથા ત્યાગ કરી પોતાના ચૈતન્ય ચમત્કારરૂપ વિજ્ઞાનઘન આત્મામાં લીન થઈ જાય.
હિંસાદિ અવ્રતરૂપ અશુભ વિકલ્પો અને અહિંસાદિ વ્રતરૂપ શુભ વિકલ્પો – બંને પ્રકારના વિકલ્પો રાગ – દ્વેષાદિરૂપ હોવાથી આત્મસ્વરૂપના ઘાતક છે. ભગવાનની પૂજા – ભક્તિ, અણુવ્રત મહાવ્રતાદિ તથા તપાદિ કરવાના ભાવ પણ શુભ વિકલ્પ છે. આ સમસ્ત શુભ – અશુભ વિકલ્પોથી હઠી ઉપયોગ જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે જ પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થાય છે.