અન્વયાર્થ : — (जातिः) જાતિ (देहाश्रिता दृष्टा) શરીરને આશ્રિત જોવામાં આવે છે અને (देहः एव) દેહ જ (દેહમાં આત્મબુદ્ધિ જ) (आत्मनः भवः) આત્માનો ભવ (संसार) છે; (तस्मात्) તેથી (ये) જેમને (जातिकृताग्रहाः) મુક્તિની પ્રાપ્તિ માટે જાતિનો હઠાગ્રહ છે (ते अपि) તેઓ (भवात् न मुच्यन्ते) સંસારથી મુક્ત થતા નથી.
ટીકા : — બ્રાહ્મણાદિ દેહાશ્રિત છે, ઇત્યાદિ અર્થ સુગમ છે (અર્થાત્ સમજવો સહેલો છે).
ભાવાર્થ : — લિંગની માફક જાતિ પણ દેહાશ્રિત છે અને દેહમાં આત્મબુદ્ધિ તે સંસાર છે, તેથી જેઓ મુક્તિ માટે જાતિનો આગ્રહ રાખે છે અર્થાત્ જાતિને જ મુક્તિનું મૂળ માને છે તેઓ પણ સંસારથી છૂટતા નથી, કારણ કે તેઓ સંસારના આગ્રહી છે.
જાતિ પણ મુનિ અવસ્થામાં, જે પ્રકારની આગમમાં કહી છે તે પ્રમાણે, નિયમા હોય છે; તેનાથી વિરુદ્ધ જાતિ ભાવલિંગી મુનિને હોતી નથી. તે જાતિથી કે તે તરફના વલણ કે વિકલ્પથી મોક્ષ થતો નથી, કિન્તુ રાગ ઉત્પન્ન થાય છે. માટે તે તરફનું વલણ છોડી આત્મસન્મુખ થઈ તેમાં લીન થવાથી મોક્ષ થાય છે એમ આ શ્લોક ઉપરથી સમજવું. ૮૮.
ત્યારે તો બ્રાહ્મણાદિ જાતિવિશિષ્ટ નિર્વાણાદિની દીક્ષાથી દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી શકે એવું બોલનાર પ્રતિ કહે છેઃ —