૧૬૪સમાધિતંત્ર
इदानीमभिन्नात्मनोपासने फलमाह — જેમ દીપથી ભિન્ન વાટ (દીવેટ) દીપને ઉપાસી એટલે પામી તાદ્રશ (તેના જેવી) થાય છે – અર્થાત્ દીપરૂપ થાય છે તેમ.
ભાવાર્થ : — જેમ વાટ દીપકની ઉપાસના કરી (દીપકનો ગાઢ નજીક સંબંધ સાધી) તદ્રૂપ (દીપકરૂપ) થઈ જાય છે, તેમ આ આત્મા પોતાનાથી ભિન્ન આત્માની (અર્હન્ત – સિદ્ધરૂપ પરમાત્માની) ઉપાસના કરીને સ્વયં તેમના સમાન પરમાત્મા થઈ જાય છે.
અર્હંતાદિ ભિન્ન સાધ્યની ઉપાસના દ્વારા અર્થાત્ તેમના દ્રવ્ય – ગુણ – પર્યાયના સત્ય જ્ઞાન દ્વારા જો જીવ પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયને સમ્યક્પણે જાણે અને તેની પ્રતીતિ કરે તથા ત્યારબાદ અર્હંતાદિ પર તરફનું પણ વલણ હઠાવી સ્વસન્મુખ થઈ સમ્યક્ શ્રદ્ધા – જ્ઞાનપૂર્વક પોતાના ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા કરે તો તેનો મોહ નાશ પામે છે અને તે પરમાત્મા થાય છે.૧
આત્મસ્વરૂપમાં સ્થિરતા તે નિશ્ચય ઉપાસના અર્થાત્ અભિન્ન સાધ્યની ઉપાસના છે અને અર્હંતાદિ ભિન્ન સાધ્યની ઉપાસના તે વ્યવહાર ઉપાસના છે.
સાધક દશામાં સમ્યગ્દ્રષ્ટિ જીવને અસ્થિરતાના કારણે ભગવાનની પૂજા – ભક્તિ આદિરૂપ પુણ્યબંધની સંપ્રાપ્તિના હેતુભૂત શુભ રાગ ભૂમિકાનુસાર આવે છે, પણ તે તેને આત્મહિત માટે ભલો માનતો નથી. તે રાગને રોગ સમાન ગણે છે, તેથી તેને તે હેયબુદ્ધિએ વર્તે છે – અર્થાત્ તેને રાગનો રાગ નથી – તેનું તેને સ્વામીત્વ નથી. તેનો આ શુભ રાગ સવારની લાલ સંધ્યા જેવો છે. જેમ સવારની લાલ સંધ્યાનો અભાવ થતાં તુરત જ સૂર્યના તેજસ્વી પ્રકાશનો આવિર્ભાવ થાય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિના હેયબુદ્ધિએ વર્તતા શુભ રાગનો અભાવ થતાં – તેનો અતિક્રમ થતાં આત્માના નિર્મળ પ્રચંડ પ્રકાશનો આવિર્ભાવ થાય છે. રાગરૂપ સવિકલ્પ દશાનો (વ્યવહારનો) અભાવ થતાં વીતરાગરૂપ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. આ દશામાં જીવને વચનાતીત અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. એ રીતે સમ્યગ્દ્રષ્ટિના ભિન્નાત્માની ઉપાસનારૂપ શુભ રાગનો અભાવ તે મોક્ષનું – પરમાત્મપદનું સાક્ષાત્ કારણ છે. ૯૭.
હવે અભિન્ન આત્માની ઉપાસનાનું ફલ કહે છેઃ — ૧. જુઓ – શ્રી પ્રવચનસાર ગાથા – ૮૦.