टीका — अथवा आत्मानमेव चित्स्वरूपमेव चिदानन्दमयमुपास्य आत्मा परमः परमात्मा जायते । अमुमेवार्थं दृष्टान्तद्वारेण समर्थयमानः प्राह – मथित्वेत्यादि । यथाऽऽत्मानमेव मथित्वा घर्षयित्वा तरुरात्मां (?) तरुरूषः स्वभावः स्वत एवाग्निर्जायते ।।९८।।
અન્વયાર્થ : — (अथवा) અથવા (आत्मा) આત્મા (आत्मानं एव) પોતાના આત્માની જ (उपास्य) ઉપાસના કરી (परमः) પરમાત્મા (जायते) થઈ જાય છે; (यथा) જેમ (तरुः) વાંસનું ઝાડ (आत्मानं) પોતાને (आत्मा एव) પોતે જ (मथित्वा) મથીને – રગડીને (अग्निः) અગ્નિરૂપ (जायते) થઈ જાય છે તેમ.
ટીકા : — અથવા આત્માની જ એટલે ચિદાનન્દમય ચિત્સ્વરૂપની જ ઉપાસના કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. આ જ અર્થનું દ્રષ્ટાન્ત દ્વારા સમર્થન કરી કહે છે — મથીને ઇત્યાદિ – જેમ પોતે પોતાને જ મથીને (રગડીને) – ઘસીને, વૃક્ષ અર્થાત્ વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ જ અગ્નિરૂપ થાય છે, તેમ (આત્મા આત્માને જ મથીને – ઉપાસીને – પરમાત્મારૂપ થાય છે).
ભાવાર્થ : — જેમ વાંસનું વૃક્ષ વાંસ સાથે રગડી (મથી) સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા પણ પોતાના ચિદાનન્દમય ચિત્સ્વરૂપની ઉપાસના કરીને સ્વયં પરમાત્મારૂપ થઈ જાય છે.
જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિરૂપે વિદ્યમાન છે અને તે ઘર્ષણથી પ્રગટ થાય છે, તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાનાદિ ગુણો શક્તિરૂપે વિદ્યમાન છે અને તે આત્માની આત્મા સાથે એકરૂપતા થતાં પ્રગટ થાય છે – અર્થાત્ આત્મા અન્ય બાહ્યાભ્યંતર સંકલ્પ – વિકલ્પરૂપ વ્યાપારોથી પોતાના ઉપયોગને હઠાવી સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે ત્યારે તેના તે ગુણ (શુદ્ધ પર્યાયો) પ્રગટ થાય છે. આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. તેના નિમિત્તે જ્યારે કર્મરૂપી ઇન્ધન સર્વથા બળી જાય છે. ત્યારે તે આત્મા પરમાત્મા થઈ જાય છે.