Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 170
PDF/HTML Page 32 of 199

 

૧૬સમાધિતંત્ર અવસ્થાઓ હોય છે. તેમાં બહિરાત્માવસ્થા છોડવા યોગ્ય છે; અંતરાત્માવસ્થા, પરમાત્મપદની પ્રાપ્તિનું સાધન છે, માટે તે પ્રગટ કરવા યોગ્ય છે અને પરમાત્માવસ્થા જે આત્માની સ્વાભાવિક પરમ વીતરાગી અવસ્થા છે તે સાધ્ય છે માટે તે પરમ ઉપાદેય (પ્રગટ કરવા યોગ્ય) છે.

પ્રશ્નઃ સર્વ પ્રાણીઓમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે એમ શ્લોકમાં કહ્યું છે પણ અભવ્યને તો એક બહિરાત્માવસ્થા જ સંભવિત છે, તો સર્વ પ્રાણીઓને આત્માની ત્રણ અવસ્થાઓ કેમ બની શકે?

ઉત્તરઃ જે જીવ અજ્ઞાની બહિરાત્મા છે તેમાં પણ અંતરાત્મા અને પરમાત્મા થવાની શક્તિ છે. ભવ્ય અને અભવ્ય જીવોમાં પણ કેવલજ્ઞાનાદિરૂપ પરમાત્મશક્તિ છે. જો તે શક્તિ તેમનામાં ન હોય, તો તેને પ્રગટ ન થવામાં નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણાદિ કર્મ પણ ન હોવાં જોઈએ, પણ બહિરાત્માને (અભવ્યને પણ) કેવલજ્ઞાનાવરણાદિ કર્મ તો છે; તેથી સ્પષ્ટ છે કે બહિરાત્મામાં (ભવ્ય કે અભવ્યમાં) કેવલજ્ઞાનાદિ શક્તિપણે છે. અભવ્યને તે શક્તિ પ્રગટ કરવા જેટલી યોગ્યતા નથી.

અનાદિથી બધા જીવોમાં કેવલજ્ઞાનાદિરૂપ પરમસ્વભાવ શક્તિરૂપે છે. તે સ્વભાવનાં શ્રદ્ધાજ્ઞાન કરી તેમાં લીન થાય તો તે કેવલજ્ઞાનાદિ શક્તિઓ પ્રગટ થઈ જાય અને કેવલજ્ઞાનાવરણાદિ કર્મો સ્વયં છૂટી જાય.

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે

‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’

બધાય જીવો શક્તિપણે પરિપૂર્ણ સિદ્ધ ભગવાન જેવા છે, પણ જે પોતાની ત્રિકાલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વભાવશક્તિને સમ્યક્ પ્રકારે સમજે, તેની પ્રતીત કરે અને તેમાં સ્થિરતા કરે, તે પરમાત્મદશા પ્રગટ કરી શકે.

વર્તમાનમાં જે ધર્મી અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાન દશામાં બહિરાત્મપણું હતું ને હવે અલ્પ કાળમાં પરમાત્મપણું પ્રગટ થશે.

પરમાત્મપદને પ્રાપ્ત થયેલા શ્રી અરિહંત અને સિદ્ધ ભગવાનને પણ પૂર્વે બહિરાત્મદશા હતી. તેઓ પોતાની સ્વાભાવિક શક્તિની પ્રતીતિ કરી જે સમયે સ્વભાવસન્મુખ થયા તે સમયે તેમનું બહિરાત્મપણું ટળી ગયું અને અંતરાત્મદશા પ્રગટ થઈ અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી સ્વભાવમાં લીન થઈ પરમાત્મા થયા.

એ રીતે, અપેક્ષાએ દરેક જીવમાં ત્રણ પ્રકારો લાગુ પડે એમ સમજવું.