Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 6 of 170
PDF/HTML Page 35 of 199

 

સમાધિતંત્ર૧૯

તથા જીવમાં અજીવની કલ્પના કરે છે, દુઃખદાયી રાગદ્વેષાદિક વિભાવભાવોને સુખદાયી સમજે છે, જ્ઞાન-વૈરાગ્યાદિ જે આત્માને હિતકારી છે તેને અહિતકારી જાણી તેમાં અરુચિ યા દોષ કરે છે, શુભ કર્મફલને સારાં અને અશુભ કર્મફલને બૂરાં માની તે પ્રત્યે રાગ દ્વેષ કરે છે, શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ અને તેનો નાશ થતાં પોતાનો નાશ માને છે તે મિથ્યાદ્રષ્ટિ ‘બહિરાત્મા’ છે.

વળી આ શરીરાદિ જડ પદાર્થો પ્રગટપણે આત્માથી જુદા છે, તે કોઈ પદાર્થો આત્માના નથીઆત્માથી પર (ભિન્ન) જ છે, છતાં તેને પોતાના માનવા, તેમજ શરીરની બોલવાચાલવા વગેરેની ક્રિયા હું કરું છું, મને તેનાથી લાભઅલાભ થાય છે; આ શરીર મારું, હું પુરુષ, હું સ્ત્રી, હું રાજા, હું રંક, હું રાગી, હું દ્વેષી, હું ધોળો, હું કાળોએમ બાહ્ય પદાર્થોથી પોતાના આત્માને ભિન્ન નહિ જાણતો તે પર પદાર્થોને જ આત્મા માને છે અને મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જીવ અજીવાદિ તત્ત્વોના સ્વરૂપમાં ભ્રાન્તિથી પ્રવર્તે છે તે જીવ ‘બહિરાત્મા’ છે.

પર પદાર્થોમાં આત્મભ્રાન્તિને લીધે આ અજ્ઞાની જીવ વિષયોની ચાહરૂપ દાવાનલમાં રાતદિન જલતો રહે છે, આત્મશાન્તિ ખોઈ બેસે છે, અતીન્દ્રિય ચૈતન્ય આત્માને ભૂલી બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મૂર્છાઈ જાય છે અને આકુલતા રહિત મોક્ષસુખની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતો નથી.

અંતરાત્મા

ચૈતન્ય લક્ષણવાળો જીવ છે અને તેનાથી વિપરીત લક્ષણવાળો અજીવ છે; આત્માનો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા છે, અમૂર્તિક છે અને શરીરાદિક પરદ્રવ્ય છે, પુદ્ગલપિંડરૂપ છે, જડ છે, વિનાશીક છે; તે મારાં નથી અને હું તેનો નથીએવું ભેદજ્ઞાન કરનાર સમ્યગ્દ્રષ્ટિ ‘અંતરાત્મા’ છે.

વળી તે જાણે છે કે, ‘હું દેહથી ભિન્ન છું, દેહાદિક મારા નથી, મારો તો એક જ્ઞાનદર્શન લક્ષણરૂપ શાશ્વત આત્મા જ છે, બાકીના સંયોગ લક્ષણવાળા (વ્યાવહારિક ભાવો) જે કોઈ ભાવો છે તે બધાય મારાથી ભિન્ન છે; આત્માના આશ્રયે જે જ્ઞાનવૈરાગ્યરૂપ ભાવ પ્રગટે છે તે સંવરનિર્જરામોક્ષનું કારણ હોઈ મને હિતરૂપ છે અને બાહ્ય પદાર્થોને આશ્રયે જે રાગાદિ ભાવો થાય છે તે આસ્રવબંધરૂપ હોઈ સંસારનું કારણ છે, મને તે અહિતરૂપ છે.’ આ રીતે જીવાદિ તત્ત્વોને જેમ છે તેમ જાણીને તેની સાચી પ્રતીતિ કરીને જે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં જ અંતર્મુખ થઈને વર્તે છે તે ‘અંતરાત્મા’ છે.