दीर्धसंसारिणं करोतीत्यर्थः । केन ? एतेन देहेन । निश्चयात् परमार्थेन । स्वात्मन्येव जीवस्वरूपे एव आत्मधीरन्तरात्मा । निश्चयाद्वियोजयति असम्बद्धं करोति देहिनं ।।१३।। આત્માને (શરીર સાથે) જોડે છે – (તેની સાથે) સંબંધ કરે છે; તેને દીર્ઘ સંસારી કરે છે – એવો અર્થ છે. કોની સાથે (જોડે છે)? નિશ્ચયથી એટલે નક્કી તે શરીર સાથે (જોડે છે); પણ આત્મામાં જ એટલે જીવસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો અંતરાત્મા નિશ્ચયથી તેને (આત્માને) તેનાથી (શરીરથી) પૃથક્ (અલગ) કરે છે – (શરીર સાથે) અસંબંધ કરે છે.
ભાવાર્થઃ અજ્ઞાની બહિરાત્મા પોતાના શરીરમાં સ્વ-બુદ્ધિ-આત્મબુદ્ધિ કરે છે અર્થાત્ શરીર અને આત્માને એકરૂપ માને છે, જ્યારે જ્ઞાની અંતરાત્મા પોતાના આત્માને શરીરથી ભિન્ન સમજે છે.
‘‘........આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃશ થાય, કોઈ વેળા સ્થૂલ થાય, કોઈ વેળા નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઊપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન ક્રિયા થવા છતાં આ જીવ તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે.....’’૧
દેહાધ્યાસથી મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા શરીરને જ આત્મા માનતો હોવાથી તેને નવાં નવાં શરીરોનો સંબંધ થતો રહે છે અને તેથી તે અનંતકાલ સુધી આ ગહન સંસારવનમાં ભટકતો ફરે છે તથા સંસારના તીવ્ર તાપથી સદા બળતો રહે છે.
અન્તરાત્માને શરીરાદિમાં આત્મબુદ્ધિ (મમત્વબુદ્ધિ) હોતી નથી; પણ તેને પોતાના જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે; તેથી તે શરીરને, પોતાના ચૈતન્યસ્વરૂપથી ભિન્ન, પુદ્ગલનો પિંડ સમજે છે. ભેદ – જ્ઞાનના બળે તે ધ્યાનદ્વારા – સ્વરૂપલીનતા દ્વારા પોતાના આત્માને શરીરાદિના બંધનથી સર્વથા પૃથક્ કરે છે અને સદાને માટે મુક્ત થઈ જાય છે.
આવી રીતે દ્રષ્ટિફેરને લીધે બહિરાત્મા પર સાથે એકત્વબુદ્ધિ કરી સંસારમાં રખડે છે, જ્યારે અંતરાત્મા પર સાથેનો સંબંધ તોડી તથા સ્વ સાથે સંબંધ જોડી અંતે સંસારના દુઃખોથી સર્વથા મુક્ત થાય છે.
અનાદિ કાલથી શરીરને આત્મા માનવાની ભૂલ જીવે પોતે જ પોતાની અજ્ઞાનતાથી કરી છે અને આત્મજ્ઞાન વડે તે જ પોતાની ભૂલ સુધારી શકે છે.
‘શરીરાદિમાં આત્મબુદ્ધિરૂપ વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ શાન્ત થાય છે’૨ ૧૩. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૫૨ ૨. જુઓઃ ‘સમાધિતંત્ર’ – શ્લોક ૪૧.