टीका – परैरुपाध्यायादिभिरहं यत्प्रतिपाद्यः परान् शिष्यादीनहं यत्प्रतिपादये तत्सर्वं मे उन्मत्तचेष्टितं मोहवशादुन्मत्तस्येवाखिलं विकल्पजालात्मकं विजृम्भितमित्यर्थः । कुत एतत् ? यदहं निर्विकल्पको यद्यस्मादहमात्मा निर्विकल्पक एतैर्वचनविकल्पैरग्राह्यः ।।१९।।
અન્વયાર્થ : (अहं) હું (परैः) બીજાઓથી – અધ્યાપકાદિથી (यत् प्रतिपाद्यः) જે કાંઈ શીખવવા યોગ્ય છું તથા (परान्) બીજાઓને શિષ્યાદિકને (यत् प्रतिपादये) હું જે કાંઈ શીખવું (तत्) તે (मे) મારી (उन्मत्तचेष्टितं) ઉન્મત્ત (પાગલ) ચેષ્ટા છે; (यद् अहं) કારણ કે (વાસ્તવમાં) હું (निर्विकल्पकः) નિર્વિકલ્પક અર્થાત્ વચન – વિકલ્પોથી અગ્રાહ્ય છું.
ટીકા : પર વડે અર્થાત્ ઉપાધ્યાયાદિ વડે મને જે શીખવાડવામાં આવે છે અને બીજાઓને – શિષ્યો વગેરેને હું જે શીખવું છું તે બધી મારી ઉન્મત્ત (પાગલ) ચેષ્ટા છે – મોહવશાત્ ઉન્મત્તના (પાગલના) જેવી જ તે બધી વિકલ્પજાલરૂપ ચેષ્ટા પ્રવર્તે છે, એવો અર્થ છે. શાથી તે (ઉન્મત્ત ચેષ્ટા) છે? કારણ કે હું (આત્મા) તો નિર્વિકલ્પક અર્થાત્ વચનવિકલ્પોથી અગ્રાહ્ય છું.
ભાવાર્થ : અધ્યાપકાદિ મને શીખવે છે તથા હું શિષ્યાદિ બીજાઓને શીખવું છું – એવો સંકલ્પ કરું તે મારું ઉન્મત્તપણું – પાગલપણું છે, કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ તો નિર્વિકલ્પ છે અર્થાત્ બધા વિકલ્પોથી હું અગ્રાહ્ય છું – પર છું.
આત્માનો સ્વભાવ તો જ્ઞાતા – દ્રષ્ટા છે. કોઈને શીખવવું યા તેનું ભલું – બૂરું કરવું એ વાસ્તવમાં આત્માનો સ્વભાવ નથી, કારણ કે ‘કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનો કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવે પરિણમે છે’ એમ વિચારી સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્મા અંતરના વિકલ્પોને તોડી સ્વરૂપમાં લીન થવા પ્રયત્ન કરે છે.
વિકલ્પો દૂર કરી પરમાત્મતત્ત્વમાં લીન થવા માટે ઉપદેશ આપતાં શ્રી અમિતગતિ આચાર્ય કહે છે કે —
‘‘સંસારરૂપી ભયાનક જંગલમાં પટકવાના હેતૂભૂત સર્વ વિકલ્પોને દૂર કરીને તારા આત્માને સર્વથી (દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી) ભિન્ન અનુભવ કરતાં તું પરમાત્મતત્ત્વમાં લીન થઈ જઈશ.’’૧ १. सर्वं निराकृत्य विकल्पजालं, संसारकान्तारनिपातहेतुम् ।