आद्यः राग आद्यो येषां द्वेषादिनां ते तथोक्ताः । किं कुर्वन्तस्ते क्षीयन्ते ? तत्त्वतो मां प्रपश्यतः । कथम्भूतं मां ? बोधात्मानं ज्ञानस्वरूपं । तत इत्यादि – यतो यथावदात्मानं पश्यतो रागादयः प्रक्षीणास्ततस्तस्मात् कारणात् न मे कश्चिच्छत्रुः न च नैव प्रियो मित्रम् ।।२५।। (તેઓ) ક્ષય પામે છે. કોણ તે? રાગાદિ – અર્થાત્ રાગ જેની આદિમાં છે તેવા દ્વેષાદિ (દોષો). શું કરતાં તે ક્ષીણ થાય છે? તત્ત્વતઃ (પરમાર્થપણે) મને દેખતાં (અનુભવતાં). કેવા મને? બોધાત્મા એટલે જ્ઞાનસ્વરૂપ (એવા મને). યથાવત્ આત્માનો અનુભવ કરતાં રાગાદિ ક્ષીણ થાય છે; તે કારણથી ન કોઈ મારો શત્રુ છે અને કોઈ મારો પ્રિય એટલે મિત્ર છે.
ભાવાર્થ : જ્ઞાનસ્વરૂપ આત્માને યથાર્થસ્વરૂપે અવલોકતાં – અનુભવતાં રાગ – દ્વેષાદિ દોષોનો (ભૂમિકાનુસાર) અહીં જ અભાવ થાય છે; તેથી જ્ઞાની કહે છે કે, ‘‘આ જગતમાં મને કોઈ શત્રુ – મિત્રરૂપે ભાસતો નથી – અર્થાત્ વાસ્તવમાં કોઈ કોઈનો શત્રુ – મિત્ર થઈ શકતો નથી.’’
જ્યારે આત્મા પ્રબુદ્ધ થઈ યથાર્થ વસ્તુસ્થિતિનો અનુભવ કરે છે, ત્યારે તેની રાગ – દ્વેષરૂપ ઇષ્ટ – અનિષ્ટની કલ્પના મટી જાય છે અને બાહ્ય સામગ્રીના બાધક – સાધક મનાતા જીવો પ્રત્યે તેને ઉપેક્ષાબુદ્ધિ રહે છે; તેથી તે ન કોઈને શત્રુ સમજે છે કે ન તો કોઈને મિત્ર માને છે. એ રીતે આત્મસ્વરૂપની ભાવનાના બળે તેના રાગ – દ્વેષાદિનો નાશ થતાં તેને કોઈ પ્રત્યે શત્રુ-મિત્રપણું રહેતું નથી.
જ્ઞાનભાવનારૂપે પરિણમેલો જ્ઞાની વિચારે છે કેઃ —
‘‘નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાન – દર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાં – તે ચૈતન્ય – અનુભવમાં લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આસ્રવોને ક્ષય પમાડું છું.’’૧
સારાંશ એ છે કે જ્યારે જ્ઞાની પોતાના આત્મસ્વરૂપને યથાર્થપણે જાણી તેમાં લીન થાય છે, ત્યારે તેના આસ્રવ – ભાવો રાગદ્વેષાદિ વિકારો સ્વયં ઉત્પન્ન થતા નથી. આવી સ્થિતિમાં તેને કોઈ શત્રુ – મિત્ર ભાસતો નથી; તેને સર્વ પ્રત્યે સમભાવ પ્રગટે છે. ૨૫. ૧.હું એક શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું.