टीका — यः प्रसिद्धः पर उत्कृष्ट आत्मा स एवाहं । योऽहं यः स्वसंवेदनेन प्रसिद्धोऽलमन्तरात्मा स परमः परमात्मा । ततो यतो मया सह परमात्मनोऽभेदस्ततोऽहमेव मया उपास्य आराध्यः । नान्यः कश्चिन्मयोपास्य इति स्थितिः । एवं स्वरूप एवाराध्याराधकभाव- व्यवस्था ।।३१।।
અન્વયાર્થ : — (यः) જે (परमात्मा) પરમાત્મા છે (सः एव) તે જ (अहं) હું છું, તથા (यः) જે (अहं) હું છું (सः) તે (परमः) પરમાત્મા છે; (ततः) તેથી (अहं एव) હું જ (मया) મારા વડે (उपास्यः) ઉપાસવા યોગ્ય છું, (कः चित् अन्यः न) બીજો કોઈ (ઉપાસ્ય) નથી, (इति स्थितिः) એવી વસ્તુસ્થિતિ છે.
ટીકા : જે પ્રસિદ્ધ પર એટલે ઉત્કૃષ્ટ આત્મા છે તે જ હું છું. જે હું – અર્થાત્ જે સ્વસંવેદનથી પ્રસિદ્ધ હું અંતરાત્મા – તે પરમ એટલે પરમાત્મા છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે, તેથી હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્ય – આરાધવા યોગ્ય છું, બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી. એવી સ્થિતિ છે – અર્થાત્ એવું સ્વરૂપ જ છે – એવી આરાધ્ય – આરાધકની વ્યવસ્થા છે.
ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, ‘‘મારો અંતરાત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. વાસ્તવમાં તે અરિહંત અને સિદ્ધ સમાન છે અર્થાત્ પરમાત્મા છે. તેની અભેદપણે ઉપાસના કરવાથી હું પોતે જ પરમાત્મા થઈ શકું તેમ છું. માટે હું જ (મારો શુદ્ધાત્મા જ) મારે પોતાને ઉપાસ્ય છું; બીજો કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. હું પોતે જ ઉપાસ્ય અને ઉપાસક છું.’
‘‘ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બન્નેમાં નિશ્ચયથી તફાવત નથી.’’૧