मनोभ्रान्तिरात्मस्वरूपं न भवति । यत एवं तस्मात् धारयेत् । किं तत् ? मनः कथम्भूतम् ? अविक्षिप्तम् । विक्षिप्तं पुनस्तत् नाश्रयेन्न धारयेत् ।।३६।। આત્માના ભેદજ્ઞાનથી રહિત) મન તે (આત્મ) ભ્રાન્તિ છે, તે આત્માનું સ્વરૂપ નથી; માટે (તેને – અવિક્ષિપ્ત મનને) ધારણ કરવું. તેને એટલે કોને? મનને; કેવા (મનને)? અવિક્ષિપ્ત (મનને); પરંતુ તે વિક્ષિપ્ત (મનને) ધારણ કરવું નહિ – તેનો આશ્રય કરવો નહિ.
ભાવાર્થ : જે મન રાગદ્વેષથી વિક્ષિપ્ત થતું નથી – આકુલિત થતું નથી, દેહાદિમાં આત્મબુદ્ધિ કરતું નથી અને આત્મ – સ્વરૂપમાં નિશ્ચલ રહે છે તે આત્મ – તત્ત્વ છે – આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જે મન રાગદ્વેષાદિકરૂપે પરિણમે છે – તેનાથી વિક્ષિપ્ત થાય છે; દેહ અને આત્માના ભેદ – જ્ઞાનથી રહિત છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતું નથી તે આત્મ – ભ્રાન્તિ છે, આત્માનું નિજરૂપ નથી. માટે અવિક્ષિપ્ત મન આત્મ – તત્ત્વ હોવાથી પ્રગટ કરવા યોગ્ય છે અને વિક્ષિપ્ત મન આત્મ – આત્મતત્ત્વ નહિ હોવાથી હેય છે – ત્યાગવા યોગ્ય છે.
જ્યારે જ્ઞાનસ્વરૂપ ભાવ મન રાગાદિ વિભાવ ભાવોથી છૂટી આત્માને, શરીરાદિ બાહ્ય પદાર્થોથી ભિન્ન, ચૈતન્યમય, એક ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવરૂપ અનુભવ કરવા લાગે છે તથા તેમાં તન્મય થઈ જાય છે ત્યારે તે અવિક્ષિપ્ત અર્થાત્ નિર્વિકલ્પ ભાવ મનને ‘આત્મ – તત્ત્વ’ કહે છે, પરંતુ જ્યારે તેમાં વિકલ્પો ઊઠવા લાગે ત્યારે તે વિક્ષિપ્ત અર્થાત્ સવિકલ્પ મનને આત્માનું તત્ત્વ કહેતા નથી. તે આસ્રવ છે. માટે આત્માર્થીએ સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ મનને જ – અવિક્ષિપ્ત મનને જ ધારણ કરવું જોઈએ. તેનાથી જ આત્મ – લાભ છે.
પ્રથમ સ્વ – પરનું ભેદજ્ઞાન કરી પર પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટપણાની કલ્પનાનો ત્યાગ કરવો, રાગ – દ્વેષાદિનાં કારણો તરફ ઉપેક્ષા – બુદ્ધિ કરવી અને ભાવશ્રુતજ્ઞાનને અંતર્મુખ કરવું. આથી પર પદાર્થો સંબંધીના સંકલ્પ – વિકલ્પો બધા શમી જશે, મન અવિક્ષિપ્ત બનશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થશે. આવા અવિક્ષિપ્ત ભાવ મનને જ પ્રગટ કરવા આચાર્યે ઉપદેશ આપ્યો છે, કારણ કે તે આત્મ – તત્ત્વ છે અને તે મોક્ષનું કારણ છે.
જે જ્ઞાનનો ઉપયોગ રાગાદિ વિકારોમાં તથા પર પદાર્થોમાં રોકાય છે તે જ્ઞાન નથી, પણ જે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે તે જ વાસ્તવિક જ્ઞાન છે – આત્મતત્ત્વ છે; માટે તે ઉપાદેય છે.
જે ઉપયોગ પરમાં જ અટકેલો રહેવાથી આત્મ – સન્મુખ વળતો નથી, તે પરના વલણવાળું તત્ત્વ છે, આત્માના વલણવાળું તત્ત્વ નથી, તેનાથી સંસાર છે, માટે તે હેય છે. ૩૬.