શરીર જડ છે, અપવિત્ર છે, અસ્થિર છે ને પર છે. તેમાં આત્માની કલ્પના કરી તેને પવિત્ર, સ્થિર ને પોતાનું માનવું તથા જ્ઞાન અને રાગને એક માનવા અર્થાત્ શુભ ભાવથી લાભ માનવો તે અવિદ્યા છે – અજ્ઞાન છે. આ અજ્ઞાનતાને – ઊંધી માન્યતા અને ઊંધા જ્ઞાનને વારંવાર અંદર ઘૂંટવાથી અને તદનુસાર આચરણ કરવાથી વાસનારૂપ સંસ્કારો ઉત્પન્ન થાય છે. આ સંસ્કારોથી મન પોતાને વશ – સ્વાધીન વર્તતું નથી, પરંતુ પરવશ બને છે – અર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન થઈ ક્ષુબ્ધ થાય છે – વિક્ષિપ્ત થાય છે. આવું – રાગ – દ્વેષ આકુલિત મન બાહ્ય વિષયોમાં જ પ્રવર્તે છે, જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થતું નથી.
હું શરીરાદિથી અને રાગ – દ્વેષાદિ વિકારોથી ભિન્ન, પવિત્ર, સ્થિર અને જ્ઞાયક – સ્વરૂપ છું – એવા સ્વપરના ભેદવિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાન – સંસ્કારોથી તે જ મન સ્વયં – સ્વાધીનપણે – પોતાની જ મેળે રાગ – દ્વેષાદિથી રહિત થાય છે – અવિક્ષિપ્ત થાય છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
શુદ્ધાત્માની વારંવાર ભાવનાથી જ્ઞાનના સંસ્કારો ઉત્પન્ન થાય છે. તેનાથ મન રાગ – દ્વેષ રહિત થઈ સમાધિમાં ઠરે છે.
‘હું શુદ્ધજ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું; શરીર – મન – વાણીરૂપ હું નથી. હું તેનાથી ભિન્ન છું’ – એવી વારંવાર ભાવના ભાવવાથી તેના સંસ્કારો દ્રઢ થાય છે અને તેવા સંસ્કારોથી ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.૧
માટે જ્ઞાન – સંસ્કાર સમાધિનું કારણ છે અને અવિદ્યાના સંસ્કાર અસમાધિનું કારણ છે.
જ્ઞાન – સંસ્કારો દ્વારા જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ રાગ – દ્વેષાદિ ભાવો છૂટતા જાય છે અને વીતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી મન (જ્ઞાનનો ઉપયોગ) બાહ્ય વિષયોથી છૂટી આત્મસ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મ – તત્ત્વની ભાવના કર્યા જ કરવી.
શ્રી સમયસાર કલશ – ૧૩૦માં કહ્યું છે કેઃ —
तावद्यावत् पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।
૧. જુઓ – સમાધિતંત્ર શ્લોક ૨૮૨