Samadhitantra (Gujarati). Gatha: 42.

< Previous Page   Next Page >


Page 66 of 170
PDF/HTML Page 95 of 199

 

સમાધિતંત્ર૭૯
शुभं शरीर दिव्यांश्च विषयानभिवांछति
उत्पन्नात्ममतिर्देहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ।।४२।।

टीकादेहे उत्पन्नात्ममतिर्बहिरात्मा अभिवांछति अभिलषति किं तत् ? शुभं शरीरं दिव्याश्च उत्तमान् स्वर्गसम्बंधिनो वा विषयान् अन्तरात्मा किं करोतीत्याहतत्त्वज्ञानी ततश्च्युतिम् तत्त्वज्ञानी विवेकी अन्तरात्मा ततः शरीरादेः च्युतिं व्यावृत्तिं मुक्तिरूपां अभिवांछति ।।४२।।

શ્લોક ૪૨

અન્વયાર્થ : (देहे उत्पन्नात्ममतिः) દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા (તપ દ્વારા) (शुभ शरीरं) સુન્દર શરીર (दिव्यान् विषयान् च) અને સ્વર્ગના વિષયભોગોની (अभिवांछति) વાંછા કરે છે અને (तत्त्वज्ञानी) જ્ઞાની અંતરાત્મા (ततः) તેનાથી એટલે શરીરાદિ અને વિષયભોગોથી (च्युतिम्) છૂટવાની ભાવના કરે છે.

ટીકા : દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા વાંછા કરે છે અભિલાષા કરે છે. કોની (વાંછા કરે છે)? શુભ (સુંદર) શરીર અને દિવ્ય એટલે ઉત્તમ સ્વર્ગસંબંધી વિષયોની (દિવ્ય વિષયભોગોની) અભિલાષા કરે છે.

અંતરાત્મા શું કરે છે તે કહે છેતત્ત્વજ્ઞાની તેનાથી ચ્યુતિ વાંછે છેઅર્થાત્ તત્ત્વજ્ઞાની એટલે વિવેકી અન્તરાત્મા, તેનાથી એટલે શરીરાદિથી મુક્તિરૂપ (છૂટકારારૂપ) ચ્યુતિની એટલે વ્યાવૃત્તિની વાંછા કરે છે.

ભાવાર્થ : શરીરાદિમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા તપાદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષયભોગોની વાંછા કરે છે અને ભેદજ્ઞાની અંતરાત્મા તો બાહ્ય શરીરવિષયાદિની વાંછાથી ચ્યુત થઈ, એટલે તેનાથી વ્યાવૃત્ત થઈ, આત્મસ્વરૂપમાં ઠરવા માગે છે.

વિશેષ

જે અજ્ઞાની ઇન્દ્રિયોના વિષયોની અને સ્વર્ગનાં સુખની ઇચ્છાથી વ્રતતપાદિ આચરે છે, તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે, કારણ કે તેના અભિપ્રાયમાં શુભ રાગના ફલસ્વરૂપ વિષયોની જ વાંછના છે. તેનાં વ્રતતપાદિ ભોગહેતુએ જ છે.

‘‘તે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ.

દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય;
તત્ત્વજ્ઞાની તે સર્વથી ઇચ્છે મુક્તિ સદાય. ૪૨.