टीका – परत्र शरीरादौ अहम्मतिरात्मबुद्धिर्बहिरात्मा । स्वस्मादात्मस्वरूपात् । च्युतो भ्रष्टः सन् । बध्नाति कर्मबन्धनबद्धं करोत्यात्मानं । असंशयं यथा भवति तथा नियमेन बध्नातीत्यर्थः । स्वस्मिन्नात्मस्वरूपे अहम्मतिः बुद्धोऽन्तरात्मा । परस्माच्छरीरादेः । च्युत्वा पृथग्भूत्वा । मुच्यते सकलकर्मबन्धरहितो भवति ।।४३।।
અન્વયાર્થ : (परत्र अहम्मतिः) શરીરાદિ પર પદાર્થોમાં જેને આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા (स्वस्मात्) પોતાના આત્મસ્વરૂપથી (च्युतः) ભ્રષ્ટ થઈ (असंशयम्) નિઃસંદેહ (बध्नाति) કર્મ બાંધે છે અને (स्वस्मिन् अहम्मतिः) જેને પોતાના આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે (बुधः) અન્તરાત્મા (परस्मात्) શરીરાદિ પરના સંબંધથી (च्युत्वा) ચ્યુત થઈ (मुच्यते) કર્મબંધનથી મુક્ત થાય છે.
ટીકા : પરમાં એટલે શરીરાદિમાં અહંબુદ્ધિ આત્મબુદ્ધિ કરના બહિરાત્મા, સ્વથી અર્થાત્ આત્મસ્વરૂપથી ચ્યુત (ભ્રષ્ટ) થઈને બાંધે છે – આત્માને કર્મબંધનથી બાંધે છે, નિઃસંશયપણે અર્થાત્ નિયમથી બાંધે છે – એવો અર્થ છે.
પોતાનામાં એટલે આત્મસ્વરૂપમાં અહંબુદ્ધિવાળો બુધ એટલે અંતરાત્મા, પરથી એટલે શરીરાદિથી ચ્યુત થઈને અર્થાત્ પૃથક્ થઈને મુક્ત થાય છે અર્થાત્ સર્વકર્મબંધનથી રહિત થાય છે.
ભાવાર્થ : બહિરાત્મા પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ભૂલીને શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, તેથી તેને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે અને અંતરાત્મા શરીરાદિ પર પદાર્થો સાથેનો સંબંધ તોડી પોતાના ચિદાનંદસ્વરૂપ સાથે આત્મબુદ્ધિપૂર્વક સંબંધ જોડે છે, તેથી તે કર્મબંધનથી છૂટી જાય છે.
અજ્ઞાનતાવશ જીવ શરીરાદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ, મમકાર બુદ્ધિ, કર્તા – ભોકતાબુદ્ધિ આદિ કરી, રાગ – દ્વેષ કરે છે અને રાગ – દ્વેષના નિમિત્તે તેને કર્મનો બંધ થાય છે, બાહ્ય પદાર્થો બંધનું કારણ છે જ નહિ. તેમાં મિથ્યા – ભ્રાન્તિજનિત મમત્વભાવ એ જ સંસાર – બંધનું કારણ છે. અજ્ઞાનીને પોતાના ચૈતન્યસ્વરૂપની અસાવધાની છે, તેથી તેને પર પદાર્થોમાં આત્મ – ભ્રાન્તિ ચાલુ રહે છે અને તેના ફલરૂપે કર્મબંધ પણ થયા જ કરે છે.
જ્ઞાનીને રાગ – દ્વેષાદિ અને આત્મસ્વભાવનું ભેદ – વિજ્ઞાન છે, તેથી તે ઉપયોગમાં રાગ સાથે એકતા નહિ હોવાથી તે અબંધ છે.