૧૧૪
वर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थान- संक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानजीवस्थानगुणस्थानान्यपि व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणेनाधिकस्य जीवस्य सर्वाण्यपि न सन्ति, तादात्म्य- लक्षणसम्बन्धाभावात्
જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંક્લેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન — એ બધાય (ભાવો) વ્યવહારથી અર્હંતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાત્મ્યલક્ષણ સંબંધનો અભાવ છે.
ભાવાર્થઃ — આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે.
અહીં એમ જાણવું કે — પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો — તે સર્વ ગૌણ થઈ જાય છે, એક અભેદદ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.
અહીં શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમજ્યે જ સમ્યગ્જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.