Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 673

 

background image
જેમ મૂળ શાસ્ત્રકર્તાએ આ શાસ્ત્ર સમસ્ત નિજ વૈભવથી રચ્યું છે તેમ ટીકાકારે પણ અત્યંત હોંશપૂર્વક
સર્વ નિજ વૈભવથી આ ટીકા રચી છે એમ આ ટીકા વાંચનારને સહેજે લાગ્યા વિના રહેતું નથી.
શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના
ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ ટીકામાં આવતાં
કાવ્યો (
કળશો) અધ્યાત્મરસથી અને આત્માનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી પદ્મપ્રભદેવ જેવા
સમર્થ મુનિવરો પર તે કળશોએ ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી ને અધ્યાત્મ-
રસથી ભરેલા મધુર કળશો, અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે, અધ્યાત્મકવિ
તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અદ્વિતીય છે.
સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૪૧૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે આત્મખ્યાતિ નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા
લખી છે. પંડિત જયચંદ્રજીએ મૂળ ગાથાઓનું અને આત્મખ્યાતિનું હિંદીમાં ભાષાંતર કર્યું અને તેમાં
પોતે થોડો ભાવાર્થ પણ લખ્યો. તે પુસ્તક ‘સમયપ્રાભૃત’ના નામે વિ. સં. ૧૯૬૪માં પ્રકાશિત થયું
હતું. ત્યાર પછી પંડિત મનોહરલાલજીએ તે પુસ્તકને પ્રચલિત હિંદીમાં પરિવર્તિત કર્યું અને શ્રી
પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા ‘સમયસાર’ના નામે વિ. સં. ૧૯૭૫માં પ્રકાશન પામ્યું. તે હિંદી ગ્રંથના
આધારે, તેમ જ સંસ્કૃત ટીકાના શબ્દો તથા આશયને વળગી રહીને, આ ગુજરાતી અનુવાદ તૈયાર
કરવામાં આવ્યો છે.
આ અનુવાદ કરવાનું મહા ભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ
પૂજ્ય સદ્ગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત
શક્તિ મને પૂજ્યપાદ સદ્ગુરુદેવ પાસેથી જ મળી છે. મારી મારફત અનુવાદ થયો તેથી ‘આ
અનુવાદ મેં કર્યો છે’ એમ વ્યવહારથી ભલે કહેવાય, પરંતુ મને મારી અલ્પતાનું પૂરું ભાન હોવાથી
અને અનુવાદની સર્વ શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી હું તો બરાબર સમજું છું કે
સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ
તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જયથાકાળે આ
અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમની હૂંફથી આ અતિ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું
હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ને પાર પડ્યો છે તે પરમ ઉપકારી સદ્ગુરુદેવનાં ચરણારવિંદમાં
અતિ ભક્તિભાવે વંદન કરું છું.
આ અનુવાદમાં અનેક ભાઈઓની મદદ છે. ભાઈશ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયાની
આમાં સૌથી વધારે મદદ છે. તેઓ આખો અનુવાદ અતિ પરિશ્રમ વેઠીને ઘણી જ બારીકાઈથી અને
ઉમંગથી તપાસી ગયા છે, ઘણી અતિ-ઉપયોગી સૂચનાઓ તેમણે કરી છે, સંસ્કૃત ટીકાની હસ્તલિખિત
પ્રતો મેળવીને પાઠાન્તરો શોધી આપ્યા છે, શંકાસ્થાનોનાં સમાધાન પંડિતો પાસેથી મેળવી આપ્યાં છે
ઇત્યાદિ અનેક રીતે તેમણે જે સર્વતોમુખી સહાય કરી છે તે માટે હું તેમનો અત્યંત આભારી છું.
જેઓ પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી, આ અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો નિવેડો કરી
(૧૪)