૧૬૨
जीवेन भाव्यमाना जीव एव ।
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
ભાવાર્થઃ — પુદ્ગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.
અહીં એમ જાણવું કેઃ — મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે.
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [ मिथ्यात्वं ] જે મિથ્યાત્વ, [ योगः ] યોગ, [ अविरतिः ] અવિરતિ અને [ अज्ञानम् ] અજ્ઞાન [ अजीवः ] અજીવ છે તે તો [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મ છે; [ च ] અને જે [ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतिः ] અવિરતિ અને [ मिथ्यात्वं ] મિથ્યાત્વ [ जीवः ] જીવ છે [ तु ] તે તો [ उपयोगः ] ઉપયોગ છે.