૨૫૪
यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वपुरुषापराध- प्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेव- मवतिष्ठते; ततो नियतं स्वयमेव कर्मैव बन्धः । अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम् ।
ગાથાર્થઃ — [ सः ] તે આત્મા [ सर्वज्ञानदर्शी ] (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [ निजेन कर्मरजसा ] પોતાના કર્મમળથી [ अवच्छन्नः ] ખરડાયો – વ્યાપ્ત થયો – થકો [ संसारसमापन्नः ] સંસારને પ્રાપ્ત થયેલો તે [ सर्वतः ] સર્વ પ્રકારે [ सर्वम् ] સર્વને [ न विजानाति ] જાણતો નથી.
ટીકાઃ — જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને ( – સર્વ પદાર્થોને) સામાન્ય- વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું – વ્યાપ્ત થયું – હોવાથી જ, બંધ- અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે ( – અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થઃ — અહીં પણ ‘જ્ઞાન’ શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.