કહાનજૈનશાસ્ત્રમાળા ]
मैकाग्य्रमेव कलयन्ति सदैव ये ते ।
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ।।१२०।।
સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. ‘જ્ઞાની’ શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છેઃ — (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મ્ય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ उद्धतबोधचिह्नम् शुद्धनयम् अध्यास्य ] ઉદ્ધત જ્ઞાન ( – કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને [ ये ] જેઓ [ सदा एव ] સદાય [ ऐकाग्य्रम् एव ] એકાગ્રપણાનો જ [ कलयन्ति ] અભ્યાસ કરે છે [ ते ] તેઓ, [ सततं ] નિરંતર [ रागादिमुक्तमनसः भवन्तः ] રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, [ बन्धविधुरं समयस्य सारम् ] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [ पश्यन्ति ] દેખે છે — અનુભવે છે.
ભાવાર્થઃ — અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ‘હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું’ — એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦.