કહાનજૈનશાસ્ત્રમાળા ]
અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [परमविशुद्धिः] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [भवतु] થાઓ. કેવી છે તે પરિણતિ? [परपरिणतिहेतोः मोहनाम्नः अनुभावात्] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ(-ઉદયરૂપ વિપાક)ને લીધે [अविरतम् अनुभाव्य-व्याप्ति-कल्माषितायाः] જે અનુભાવ્ય(રાગાદિ પરિણામો)ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [शुद्धचिन्मात्रमूर्तेः] દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થઃ — આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે — રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ — ખ્યાતિ, લાભ, પૂજાદિક — ચાહતો નથી. આ પ્રકારે આચાર્યે ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છેઃ —
ગાથાર્થઃ — આચાર્ય કહે છેઃ હું [ध्रुवाम्] ધ્રુવ, [अचलाम्] અચળ અને [अनौपम्यां] અનુપમ — એ ત્રણ વિશેષણોથી યુક્ત [गतिं] ગતિને [प्राप्तान्] પ્રાપ્ત થયેલ એવા [सर्वसिद्धान्] સર્વ સિદ્ધોને [वन्दित्वा] નમસ્કાર કરી, [अहो] અહો! [श्रुतकेवलिभणितम्] શ્રુતકેવળીઓએ કહેલા [इदं] આ [समयप्राभृतम्] સમયસાર નામના પ્રાભૃતને [वक्ष्यामि] કહીશ.