૪૨૬
आत्मबन्धयोर्द्विधाकरणं मोक्षः । बन्धस्वरूपज्ञानमात्रं तद्धेतुरित्येके, तदसत्; न कर्मबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रं मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रवत् । एतेन कर्मबन्धप्रपञ्चरचनापरिज्ञानमात्रसन्तुष्टा उत्थाप्यन्ते ।
ગાથાર્થઃ — [यथा नाम] જેવી રીતે [बन्धनके] બંધનમાં [चिरकालप्रतिबद्धः] ઘણા કાળથી બંધાયેલો [कश्चित् पुरुषः] કોઈ પુરુષ [तस्य] તે બંધનના [तीव्रमन्दस्वभावं] તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને [कालं च] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [विजानाति] જાણે છે, [यदि] પરંતુ જો [न अपि छेदं करोति] તે બંધનને પોતે કાપતો નથી [तेन न मुच्यते] તો તેનાથી છૂટતો નથી [तु] અને [बन्धनवशः सन्] બંધનવશ રહેતો થકો [बहुकेन अपि कालेन] ઘણા કાળે પણ [सः नरः] તે પુરુષ [विमोक्षम् न प्राप्नोति] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [इति] તેવી રીતે જીવ [कर्मंबन्धनानां] કર્મ-બંધનોનાં [प्रदेशस्थितिप्रकृतिम् एवम् अनुभागम्] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [जानन् अपि] જાણતાં છતાં પણ [न मुच्यते] (કર્મબંધથી) છૂટતો નથી, [च यदि सः एव शुद्धः] પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય [मुच्यते] તો જ છૂટે છે.
ટીકાઃ — આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા) તે મોક્ષ છે. ‘બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત્ બંધના સ્વરૂપને જાણવામાત્રથી જ મોક્ષ થાય છે)’ એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી ( – આ કથનથી), જેઓ કર્મબંધના પ્રપંચની ( – વિસ્તારની) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.
ભાવાર્થઃ — બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવામાત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે.
બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છેઃ —