કહાનજૈનશાસ્ત્રમાળા ]
અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા — બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે — એ પ્રમાણદ્રષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર — એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા; એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ —
ગાથાર્થઃ — [ज्ञानिनः] જ્ઞાનીને [चरित्रं दर्शनं ज्ञानम्] ચારિત્ર, દર્શન, જ્ઞાન — એ ત્રણ ભાવ [व्यवहारेण] વ્યવહારથી [उपदिश्यते] કહેવામાં આવે છે; નિશ્ચયથી [ज्ञानं अपि न] જ્ઞાન પણ નથી, [चरित्रं न] ચારિત્ર પણ નથી અને [दर्शनं न] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ज्ञायकः शुद्धः] શુદ્ધ જ્ઞાયક જ છે.