आस्तां तावद्बन्धप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं, दर्शनज्ञानचारित्राण्येव न विद्यन्ते; यतो
ह्यनन्तधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यान्तेवासिजनस्य तदवबोधविधायिभिः कै श्चिद्धर्मैस्तमनुशासतां
सूरीणां धर्मधर्मिणोः स्वभावतोऽभेदेऽपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं
ज्ञानं चारित्रमित्युपदेशः । परमार्थतस्त्वेकद्रव्यनिष्पीतानन्तपर्यायतयैकं किञ्चिन्मिलितास्वादम-
भेदमेकस्वभावमनुभवतो न दर्शनं न ज्ञानं न चारित्रं, ज्ञायक एवैकः शुद्धः ।
ટીકાઃ — આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ
એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે
નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ
કરતા આચાર્યોનો — જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ
ઉપજાવી — વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે.
પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે
એવું કાંઈક — મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી તત્ત્વ — અનુભવનારને દર્શન
પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ — આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત
તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ
અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા;
તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ
ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર
છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં
આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર
કેમ કહી શકાય? તેનું સમાધાનઃ — એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન
કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે
છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં
નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક
મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો
છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ
રહેતું નથી.
૧૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-