૬૨૮
इति श्रीमदमृतचन्द्राचार्यकृता समयसारव्याख्या आत्मख्यातिः समाप्ता । આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે. ૨૭૮.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ.
(હવે પં૦ જયચંદ્રજી ભાષાટીકા પૂર્ણ કરે છેઃ — )
આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણનાં પાંચ અંગોપૂર્વક — પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનપૂર્વક — સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે, જેટલું બની શક્યું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુ - સંપ્રદાયનો ( – ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો ( – યથાશક્તિ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે,