સ્વરૂપને યુક્તિ, આગમ અને સ્વાનુભવમૂલક નિજ આત્મવૈભવ વડે પોતાની મૌલિક શૈલીથી અત્યંત સ્પષ્ટપણે સમજાવ્યું છે. આ ટીકા વાંચતાં પરમાર્થતત્ત્વના મધુર રસાસ્વાદી ધર્મજિજ્ઞાસુઓના હૃદયમાં નિઃસંદેહ આત્માનો અપાર મહિમા આવે છે, કેમ કે આચાર્યદેવે તેમાં પરમ હિતોપદેશક, સર્વજ્ઞવીતરાગ તીર્થંકર ભગવંતોનાં હાર્દ ખોલીને અધ્યાત્મતત્ત્વનાં નિધાનો ઠાંસીઠાંસીને ભરી દીધાં છે. અધ્યાત્મતત્ત્વના હાર્દને સર્વાંગ પ્રકાશનારી આ ‘આત્મખ્યાતિ’ જેવી સુંદર ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન અધ્યાત્મગ્રન્થની લખાયેલી નથી. આ કળિકાળમાં જેમ શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે તેમ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે.
‘આત્મખ્યાતિ’ ટીકાનો બહુ ભાગ તો ગદ્યાત્મક છે અને થોડો ભાગ પદ્યાત્મક છે. મૂળ ગાથા કે ગાથાજૂથની ગદ્યાત્મક ટીકાના અંતમાં આવતાં અધ્યાત્મરસથી અને આત્માનુભવની મસ્તીથી ભરપૂર આ મધુર પદ્યો જિનમંદિરના ઉન્નત ધવલ શિખર ઉપર શોભતા સુવર્ણકલશ સમાન ટીકાની શોભામાં અત્યંત અભિવૃદ્ધિ કરે છે. આ કલશ-કાવ્યો ગ્રંથમાં નિર્દિષ્ટ વિવિધ વિષયોના આત્મસ્પર્શી વિવેચનાત્મક ગદ્યાંશની ચૂલિકાસ્વરૂપ હોવા છતાં તેમને પૃથક્પણે લઈએ તોપણ તેઓ સંધિબદ્ધ, અર્થગંભીર અને પરમાર્થતત્ત્વપ્રતિપાદક એક સુંદર અધ્યાત્મગ્રંથ બને છે. તેનું નામ ‘સમયસાર-કલશ’ છે અને તેના પર અધ્યાત્મરસિક પંડિત શ્રી રાજમલજી ‘પાંડે’એ ટીકા લખી છે, જેને આ શાસ્ત્રમાં ‘ખંડાન્વય સહિત અર્થ’ એ નામે આપવામાં આવી છે.
કલશ-ટીકાના રચયિતા પાંડે રાજમલજી વિક્રમ સંવતની સત્તરમી શતાબ્દિમાં થઈ ગયેલા કવિવર શ્રી બનારસીદાસજીથી થોડાંક વર્ષો પહેલાં જ થઈ ગયા હોય એમ વિદ્વાનોનું માનવું છે. તેમણે આ કલશટીકા રાજસ્થાનના ઢૂંઢાર પ્રદેશમાં બોલાતી જૂની ઢૂંઢારી ભાષામાં લખેલી છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનાં કલશકાવ્યોમાં અધ્યાત્મતત્ત્વનાં જે ગૂઢ રહસ્યો અતિ સંક્ષેપથી ભરેલાં છે તેને ટીકાકાર પંડિતજીએ આ ટીકામાં સામાન્ય બુદ્ધિના જિજ્ઞાસુ જીવો પણ સરળતાથી સમજી શકે એ રીતે વિસ્તારથી, સ્પષ્ટતાપૂર્વક અને જોરદાર શૈલીથી ખુલ્લાં કર્યાં છે. આ ટીકામાં સ્થાને સ્થાને નિર્વિકલ્પ સહજ સ્વાત્માનુભવનું અતિશય માહાત્મ્ય બતાવ્યું છે અને તેની પ્રાપ્તિ કરવા પ્રેરણા આપી છે. વિજ્ઞાનઘન નિજ આત્માના નિર્વિકલ્પ રસાસ્વાદરૂપ અનુભવ સિવાય જીવ જે કોઈ વ્રત-નિયમ-દયા-દાન-પૂજા-ભક્તિ વગેરે બાહ્ય ક્રિયાકાંડના આચરણસ્વરૂપ વ્યવહારચારિત્રના વિકલ્પોમાં ગૂંચાઇ રહે તે તેનો વૃથા ક્લેશ છે, તેનાથી તેને જરા પણ સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ નથી તથા તે ભવાન્તનું લેશમાત્ર પણ કારણ