નથી; સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પરના સંબંધે થતા પોતાના વિકારી ભાવોથી પણ ભિન્ન, પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી અભેદ આત્માના સહજ આસ્વાદથી થાય છે; — એવા સમયસાર-કલશમાં સંક્ષિપ્તરૂપે ભરેલા ભાવ આ ટીકામાં અનેક સ્થળે વિસ્તારપૂર્વક અત્યંત સ્પષ્ટતાથી વ્યક્ત કરવામાં આવ્યા છે. સમયસાર-કલશમાં ગૂઢપણે ભરેલા આધ્યાત્મિક ભાવોને સુગ્રાહ્ય થાય એ રીતે વિસ્તારીને ખુલ્લા કરે છે તે આ ટીકાની એક વિશિષ્ટતા છે. સમયસાર-કલશનો જે પ્રધાન સૂર પરથી, વિકારથી અને અપૂર્ણતાથી તથા ભેદભાવોથી રહિત પોતાના ત્રિકાળી, શુદ્ધ, ચિદાનંદમય, ભિન્ન, નિર્વિકાર, આપૂર્ણ અને અભેદ આત્માનું યથાર્થ સ્વરૂપ હૃદયગત કરાવીને તેનો સાક્ષાત્ અતીન્દ્રિય અનુભવ કરાવવાનો છે, તે પ્રયોજનને પાર પાડવામાં સહાયક થવા માટે આ ટીકામાં ટીકાકાર વિદ્વાને મૂળ ગ્રંથ સાથે સુસંગત અનેક વિષયોનું પોતાની સરળ, રોચક અને જોરદાર શૈલીથી સુંદર પ્રતિપાદન કર્યું છે.
ટીકાકાર પંડિતજીએ પ્રત્યેક શ્લોકની ટીકામાં પ્રાયઃ દરેક ખંડાન્વયનો મર્મભર્યો અર્થ ખોલ્યા પછી ટૂંકા ટૂંકા ભાવાર્થમાં તેનો અનુભવપ્રધાન સંક્ષિપ્ત સાર ભરીને વિવક્ષિત વિષયને આત્મસાત્ કરાવી આપ્યો છે. તેમાં પણ વ્યવહારને માટે અભૂતાર્થ, અસત્યાર્થ અને ગૌણ એવા શબ્દો વાપરવાને બદલે ‘જૂઠો’ એવા જોરદાર શબ્દનો અનેક સ્થળે ઉપયોગ કરીને તેમણે વ્યવહારની હેયતા સચોટપણે વ્યક્ત કરી છે.
વળી ટીકામાં, જીવને આત્મકલ્યાણના વાસ્તવિક ઉપાયભૂત સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું તથા તેના વિષયભૂત જીવાદિ નવ તત્ત્વ વગેરેનું ભૂતાર્થનયથી સરળ ભાષામાં એવું સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે કે જેથી કોઈ તેનો ઢીલો-પોચો અથવા બીજો વિપરીત અર્થ કરી જ ન શકે.
સમ્યગ્દર્શન ધર્મનું મૂળ હોવા છતાં, તેના અભાવે બીજું બધું વ્યર્થ હોવા છતાં, સમ્યગ્દર્શનના અર્થ વિષે જીવોને ઘણી ભ્રાન્તિ પ્રવર્તે છે અને તેના ઘણા ઢીલા વિપરીત અર્થો કરવામાં આવે છે. કોઈ જૈનધર્મની કુળપરંપરાગત શ્રદ્ધાને, કોઈ દેવ-ગુરુ-ધર્મનાં બાહ્ય લક્ષણોની શ્રદ્ધાને અને કોઈ જીવાદિ નવતત્ત્વની અભૂતાર્થનયાનુસારી શ્રદ્ધાને સમ્યગ્દર્શન માને છે. ખરેખર તો સમયસાર-કલશમાં આચાર્યદેવે વર્ણવ્યા પ્રમાણે નવ તત્ત્વની ભૂતાર્થનયાનુસારી શ્રદ્ધા, કે જે શ્રદ્ધા શુદ્ધાત્માનુભૂતિપૂર્વક હોય છે તે જ, સમ્યગ્દર્શન છે. ટીકાની આ મૂળભૂત વાતને સ્પષ્ટ કરવા પંડિતજીએ ઠેકઠેકાણે સમ્યગ્દર્શનને ‘‘શુદ્ધ ચેતનામાત્ર વસ્તુસ્વરૂપનો આસ્વાદ’’, ‘‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ’’, ‘‘સમસ્ત સંકલ્પવિકલ્પથી રહિત વસ્તુસ્વરૂપનો અનુભવ’’ અને ‘‘શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ’’ — એમ ગાયું છે. તે જ વાતને પંડિતજીએ આ ટીકામાં અન્યત્ર અનેક સ્થળે સ્ફુટ કરી છે. જેમ કે – છઠ્ઠા