કહાનજૈનશાસ્ત્રમાળા ]
(भ्रमेण) ભ્રમ અર્થાત્ પરમાર્થશૂન્ય અભિમાનમાત્ર, તે-રૂપે (चरतः) પ્રવર્તે છે. કેવો છે જાતિભેદભ્રમ? ‘‘एकः मदिरां दूरात् त्यजति’’ (एकः) ચંડાલણીના પેટે ઊપજ્યો છે પરંતુ પ્રતિપાલિત બ્રાહ્મણના ઘરે થયો છે એવો જે છે તે (मदिरां) સુરાપાનનો (दूरात् त्यजति) અત્યંત ત્યાગ કરે છે, અડતો પણ નથી, નામ પણ લેતો નથી, — એવો વિરક્ત છે. શા કારણથી? ‘‘ब्राह्मणत्वाभिमानात्’’ (ब्राह्मणत्व) ‘હું બ્રાહ્મણ’ એવો સંસ્કાર, તેના (अभिमानात्) પક્ષપાતથી. ભાવાર્થ આમ છે કે — શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, ‘હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે’ એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકો — યતિક્રિયામાં મગ્ન થતો થકો — શુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયામાત્ર મગ્ન છે, તે જીવ એવું માને છે કે ‘હું તો મુનીશ્વર, અમને વિષયકષાયસામગ્રી નિષિદ્ધ છે’ એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડે છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી. ‘‘अन्यः तया एव नित्यं स्नाति’’ (अन्यः) શૂદ્રાણીના પેટે ઊપજ્યો છે, શૂદ્રનો પ્રતિપાલિત થયો છે, એવો જીવ (तया) મદિરાથી (एव) અવશ્યમેવ (नित्यं स्नाति) નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને અતિ મગ્નપણે પીએ છે. શું જાણીને પીએ છે? ‘‘स्वयं शूद्रः इति’’ ‘હું શૂદ્ર, અમારા કુળમાં મદિરા યોગ્ય છે’ એવું જાણીને. આવો જીવ, વિચાર કરતાં, ચંડાળ છે. ભાવાર્થ આમ છે કે — કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ અશુભોપયોગી છે, ગૃહસ્થક્રિયામાં રત છે — ‘અમે ગૃહસ્થ, મને વિષય-કષાય ક્રિયા યોગ્ય છે’ એવું જાણીને વિષય-કષાય સેવે છે તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધ કરે છે, કેમ કે કર્મજનિત પર્યાયમાત્રને પોતારૂપ જાણે છે, જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. ૨ – ૧૦૧.
सदाप्यभेदान्न हि कर्मभेदः ।
स्वयं समस्तं खलु बन्धहेतुः ।।३-१०२।।