૯૨
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानस्वभावेन वृत्तं तत् तत् मोक्षहेतुः एव’’ (ज्ञान) શુદ્ધ વસ્તુમાત્ર, તેની (स्वभावेन) સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે (वृत्तं) સ્વરૂપાચરણચારિત્ર (तत् तत् मोक्षहेतुः) તે જ, તે જ મોક્ષમાર્ગ છે; (एव) આ વાતમાં સંદેહ નથી. ભાવાર્થ આમ છે — કોઈ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે. પણ એવું તો નથી, એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી. તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે, શુદ્ધસ્વરૂપ માત્ર શુદ્ધચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. કાંઈક વિશેષ — તે શુદ્ધ પરિણમન જ્યાં સુધીમાં સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધીના શુદ્ધપણાના અનંત ભેદ છે. તે ભેદો જાતિભેદની અપેક્ષાએ તો નથી; ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી, તેનાથી ઘણી — એવા થોડાપણા-ઘણાપણારૂપ ભેદ છે. ભાવાર્થ આમ છે કે જેટલી શુદ્ધતા હોય છે તેટલી જ મોક્ષનું કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શા કારણથી? ‘‘सदा ज्ञानस्य भवनं एकद्रव्यस्वभावत्वात्’’ (सदा) ત્રણે કાળે (ज्ञानस्य भवनं) આવું છે જે શુદ્ધચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી (एकद्रव्यस्वभावत्वात्) એક જીવદ્રવ્યસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે — જો ગુણ-ગુણીરૂપ ભેદ કરીએ તો આવો ભેદ થાય છે કે જીવનો શુદ્ધપણું ગુણ; જો વસ્તુમાત્ર અનુભવ કરીએ તો આવો ભેદ પણ મટે છે, કેમ કે શુદ્ધપણું તથા જીવદ્રવ્ય વસ્તુએ તો એક સત્તા છે. આવું શુદ્ધપણું મોક્ષકારણ છે, એના વિના જે કાંઈ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે. ૭ – ૧૦૬.