૧૫૬
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अहो अयम् सम्यग्द्रगात्मा कुतः अपि ध्रुवम् एव बन्धं न उपैति’’ (अहो) હે ભવ્યજીવ! (अयम् सम्यग्द्रगात्मा) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દ્રષ્ટિ જીવ (कुतः अपि) ભોગસામગ્રીને ભોગવતાં અથવા નહિ ભોગવતાં (ध्रुवम्) અવશ્ય (एव) નિશ્ચયથી (बन्धं न उपैति) જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘रागादीन् उपयोगभूमिम् अनयन्’’ (रागादीन्) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને (उपयोगभूमिम्) ચેતનામાત્ર ગુણ પ્રત્યે (अनयन्) નહિ પરિણામવતો થકો, ‘‘केवलं ज्ञानं भवेत्’’ માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને બાહ્ય-આભ્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી. ‘‘कर्मततः लोकः सः अस्तु च तत् परिस्पंदात्मकं कर्म अस्तु अस्मिन् तानि करणानि सन्तु च तत् चिदचिद्व्यापादनं अस्तु’’ તે કારણથી (कर्मततः लोकः सः अस्तु) કાર્મણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો જેવું છે તેવું જ રહો, (च) અને (तत् परिस्पन्दात्मकं कर्म अस्तु) એવા છે જે આત્મપ્રદેશકંપરૂપ મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો, તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં? (अस्मिन्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં. (तानि करणानि सन्तु) તે પાંચ ઇન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો (च) અને (तत् चिद्-अचिद्व्यापादनं अस्तु) પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો થતો હતો તેવો જ રહો, તથાપિ શુદ્ધ પરિણામ થતાં કર્મનો બંધ નથી. ૩-૧૬૫.