કહાનજૈનશાસ્ત્રમાળા ]
વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં (रतैः) મગ્ન છે. ‘‘चैतन्यं क्षणिकं प्रकल्प्य’’ એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે, અન્ય જીવ મૂળથી ઊપજે છે — એવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી. તથા મતાન્તર કહે છે – ‘‘अपरैः तत्रापि कालोपाधिबलात् अधिकां अशुद्धिं मत्वा’’ (अपरैः) કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી એમ કહે છે — (कालोपाधिबलात्) અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી – એમ માની (तत्र अपि) તે જીવમાં (अधिकां अशुद्धिं मत्वा) અધિક અશુદ્ધિ માને છે અર્થાત્ જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ – એવી પ્રતીતિ કરે છે જે જીવો, તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી. મતાન્તર કહે છે — ‘‘अन्धकैः अतिव्याप्तिं प्रपद्य’’ (अन्धकैः) એકાન્ત મિથ્યાદ્રષ્ટિ જીવ કોઈ એવા છે કે જેઓ (अतिव्याप्तिं प्रपद्य) કર્મની ઉપાધિને માનતા નથી, ‘‘आत्मानं परिशुद्धम् ईप्सुभिः’’ જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે; તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી? ‘‘निःसूत्रमुक्तेक्षिभिः’’ (निःसूत्र) સ્યાદ્વાદસૂત્ર વિના (मुक्तेक्षिभिः) સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે; તેમને પ્રાપ્તિ નથી. તેનું દ્રષ્ટાન્ત — ‘‘हारवत्’’ હારની જેમ. ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી — હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી — આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી; તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે, તેઓ સ્યાદ્વાદસૂત્ર વડે જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું છે તેવું માનજો. ૧૬-૨૦૮.
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम् ।
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ।।१७-२०९।।