કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘‘ध्रुवं’’ ચારે ગતિમાં ભમતો અટકી ગયો. વળી કેવો છે? ‘‘देवः’’ ત્રૈલોક્યથી પૂજ્ય છે. વળી કેવો છે? ‘‘स्वयं शाश्वतः’’ દ્રવ્યરૂપ વિદ્યમાન જ છે. વળી કેવો થાય છે? ‘‘आत्मानुभवैकगम्यमहिमा’’ (आत्म) ચેતનવસ્તુના (अनुभव) પ્રત્યક્ષપણે આસ્વાદથી (एक) અદ્વિતીય (गम्य) ગોચર છે (महिमा) મોટપ જેની એવો છે. ભાવાર્થ આમ છે કે જીવનો જેમ એક જ્ઞાનગુણ છે તેમ એક અતીન્દ્રિય સુખગુણ છે; તે સુખગુણ સંસાર-અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્વાદરૂપ નથી, અશુદ્ધપણું જતાં પ્રગટ થાય છે. તે સુખ અતીન્દ્રિય પરમાત્માને હોય છે. તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાન્ત ચારે ગતિઓમાં નથી, કેમ કે ચારે ગતિઓ દુઃખરૂપ છે; તેથી એમ કહ્યું કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મારૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે, કેમ કે શુદ્ધસ્વરૂપ અનુભવતાં અતીન્દ્રિય સુખ છે — એવો ભાવ સૂચવ્યો છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય છે? ઉત્તર આમ છે કે શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. ‘‘किल यदि कोऽपि सुधीः अन्तः कलयति’’ (किल) નિશ્ચયથી (यदि) જો (कः अपि) કોઈ જીવ (अन्तः कलयति) શુદ્ધસ્વરૂપને નિરંતરપણે અનુભવે છે. કેવો છે જીવ? (सुधीः) શુદ્ધ છે બુદ્ધિ જેની. શું કરીને અનુભવે છે? ‘‘रभसा बन्धं निर्भिद्य’’ (रभसा) તત્કાળ (बन्धं) દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મના (निर्भिद्य) ઉદયને મિટાવીને અથવા મૂળથી સત્તા મિટાવીને, તથા ‘‘हठात् मोहं व्याहत्य’’ (हठात्) બળથી (मोहं) મિથ્યાત્વરૂપ જીવના પરિણામને (व्याहत्य) મૂળથી ઉખાડીને. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળનો મિથ્યાદ્રષ્ટિ જ જીવ કાળલબ્ધિ પામતાં સમ્યક્ત્વના ગ્રહણકાળ પહેલાં ત્રણ કરણો કરે છે; તે ત્રણ કરણો અન્તર્મુહૂર્તમાં થાય છે; કરણો કરતાં દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મની શક્તિ મટે છે; તે શક્તિ મટતાં ભાવમિથ્યાત્વરૂપ જીવના પરિણામ મટે છે; — જેમ ધતૂરાના રસનો પાક મટતાં ઘેલછા મટે છે તેમ. કેવો છે બંધ અથવા મોહ? ‘‘भूतं भान्तम् अभूतम् एव’’ (एव) નિશ્ચયથી (भूतं) અતીત કાળસંબંધી, (भान्तम्) વર્તમાન કાળસંબંધી, (अभूतम्) આગામી કાળસંબંધી. ભાવાર્થ આમ છે — ત્રિકાળ સંસ્કારરૂપ છે જે શરીરાદિ સાથે એકત્વબુદ્ધિ, તે મટતાં જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. ૧૨.