૨૮
નિશ્ચળ છે. વળી કેવું છે? ‘‘परं’’ ઉત્કૃષ્ટ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે વાયુ રહિત સમુદ્ર નિશ્ચળ હોય છે તેવી જ રીતે તીર્થંકરનું શરીર નિશ્ચળ છે. આ રીતે શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ નથી થતી, કારણ કે શરીરના ગુણ આત્મામાં નથી. આત્માનો જ્ઞાનગુણ છે; જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે. ૨૬.
एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चयात् नुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः ।
स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेत् नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।।२७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अतः तीर्थकरस्तवोत्तरबलात् आत्माङ्गयोः एकत्वं न भवेत्’’ (अतः) આ કારણથી, (तीर्थकरस्तव) ‘પરમેશ્વરના શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે’ એમ જે મિથ્યામતી જીવ કહે છે તેના પ્રતિ (उत्तरबलात्) ‘શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થતી નથી, આત્માના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે,’ આવા ઉત્તરના બળથી અર્થાત્ તે ઉત્તર દ્વારા સંદેહ નષ્ટ થઈ જવાથી,
(एकत्वं) એકદ્રવ્યપણું (न भवेत्) થતું નથી. આત્માની સ્તુતિ જે રીતે થાય છે તે કહે છે — ‘‘सा एवं’’ (सा) તે જીવસ્તુતિ (एवं) જેવી રીતે મિથ્યાદ્રષ્ટિ કહેતો હતો તેવી રીતે નથી, કિન્તુ જે રીતે હવે કહે છે તે રીતે જ છે — ‘‘कायात्मनोः व्यवहारतः एकत्वं, तु पुनः न निश्चयात्’’ (कायात्मनोः) શરીરાદિ અને ચેતનદ્રવ્ય એ બંનેને (व्यवहारतः) કથનમાત્રથી (एकत्वं) એકપણું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું એ બંનેને ઓગાળીને એક સોગઠી બનાવવામાં આવે છે, ત્યાં તે સઘળું કહેવામાં તો સુવર્ણ જ કહેવાય છે, તેવી રીતે જીવ અને કર્મ અનાદિથી એકક્ષેત્રસંબંધરૂપ મળેલાં ચાલ્યાં આવે છે તેથી તે સઘળું કથનમાં તો જીવ જ કહેવાય છે.